સિડનીના ન્યૂકેસલ વિસ્તારના એક ભારતીય મૂળના રહેવાસીને વર્ષ 2019માં મુંબઇથી સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખોટી ધમકી આપવાના આરોપસર જેલની સજા ફટકારવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના જણાવ્યા પ્રમાણે, ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપવાના આરોપસર આરોપીને શુક્રવાર 5મી ફેબ્રુઆરીના રોજ ડાઉનીંગ સેન્ટર લોકલ કોર્ટ દ્વારા બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
જેમાં નોન-પેરોલ પિરીયડ એક વર્ષ નક્કી કરવામાં આવ્યો છે.
તેની પર ક્રિમીનલ કોડ એક્ટ 1995 ના સેક્શન 474.16 અંતર્ગત ખોટી ધમકી આપવાનો આરોપ સાબિત થયો હતો.
શું હતી ઘટના?
26મી માર્ચ 2019ના રોજ 40 વર્ષીય ભારતીય મૂળના અને સિડનીના રહેવાસીએ તેના ઘરેથી મુંબઇ એરપોર્ટ પર ફોન કોલ કર્યો હતો અને મુંબઇથી સિંગાપોરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત કહી હતી.
આ સમયે તે ફ્લાઇટમાં તેના સંબંધી પણ મુસાફરી કરી રહ્યા હતા.
માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, તેણે તેના માતા તથા અન્ય એક સંબંધીને અમુક દસ્તાવેજો ન હોવાના કારણે ફ્લાઇટમાં પ્રવેશની પરવાનગી અપાઇ નહોતી.
તે વ્યક્તિને સિંગાપોર એરલાઇન્સના સ્ટાફના સભ્યનો નંબર આપવામાં આવ્યો હતો. જેમાં તેણે તે દસ્તાવેજ મોકલવાના હતા.
અને, ત્યાર બાદ તેની માતા અને અન્ય એક સંબંધીને ફ્લાઇટમાં પ્રવેશની પરવાનગી અપાઇ હતી.
ફ્લાઇટે જ્યારે ઉડાન ભરી તેની અમુક મિનીટો બાદ તેણે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફોન કર્યો અને ત્યાર બાદ 17 મિનીટ પછી એરલાઇનના સ્ટાફને પણ ફોન કર્યો હતો. અને, ફ્લાઇટમાં બોમ્બ હોવાની વાત કહી હતી.
ફ્લાઇટનું તાત્કાલિક સિંગાપોરના સુરક્ષાદળની દેખરેખ હેઠળ ચાંગી એરપોર્ટ પર ઊતરાણ કરાવવામાં આવ્યું હતું.
રાત્રે જ્યારે તે વ્યક્તિ સિડની એરપોર્ટ પર માતાને લેવા માટે ગઇ ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ખોટી ધમકી આપવાના કારણમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેની માતા અંગે તેણે મુંબઇ એરપોર્ટ પર પૂછપરછ માટે ફોન કર્યા હતા પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. અને તેને ફરીથી ફોન ન કરવા જણાવાયું હતું.
આ ઉપરાંત, સિંગાપોર એરલાઇન્સના કસ્ટમર સર્વિસ નંબર પર તેને 35થી 40 મિનીટ સુધી રાહ જોયા બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા તેણે ગુસ્સામાં ધમકી આપી હતી.
આ ઘટનાના કારણે સિંગાપોર એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને 29 પેસેન્જર્સ તેમની અન્ય ફ્લાઇટ્સ ચૂકી ગયા હતા.