ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત પદાર્થો લાવવાના ઘણા બધા પ્રયત્નો કરનારા 3 ભારતીય નાગરિકોની ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે મેલ્બર્નમાં ધરપકડ કરી છે.
ઓસ્ટ્રેલિય બોર્ડર ફોર્સ અને ઓસ્ટ્રેલિયન ક્રિમીનલ ઇન્ટેલીજન્સ કમિશન સાથે મળીને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે આ ઓપરેશન હાથ ધર્યું હતું.
તેને Operation Goaltender (ઓપરેશન ગોલટેન્ડર) નામ આપવામાં આવ્યું હતું.
4થી જાન્યુઆરી 2021ના રોજ ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓએ મેક્સિકોથી શીપમેન્ટ આવેલા 40 કિલોગ્રામ મેથામ્ફેટામાઇનના જથ્થાને જપ્ત કર્યો હતો.ત્યાર બાદ, આગામી એક મહિનામાં ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે જપ્ત કરેલા અન્ય પ્રતિબંધિત જથ્થાના ઉદ્ભવ અને તેની સાથે જોડાયેલી કેટલીક બાબતોની સમીક્ષા કરી હતી.
Source: AFP
જેમાં 8 કિલોગ્રામ જેટલો isopropylbenzylamine, હેરોઇન, કોકેઇન અને વિવિધ દેશો દ્વારા નિકાસ કરવામાં આવેલા અન્ય ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.
વિવિધ શીપમેન્ટમાં આયાત થયેલા જપ્ત જથ્થાનું કુલ પ્રમાણ 100 કિલોગ્રામ જેટલું છે.
11મી ફેબ્રુઆરી 2021ના રોજ, ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે મેલ્બર્નના કેઇલોર પાર્ક ખાતેની એક જગ્યા તથા સાઉથબેન્ક ખાતે આવેલા એક એપાર્ટમેન્ટમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ કરતા ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના અધિકારીઓને ડ્રગ્સ પેકેટ્સ, 1 કિગ્રાથી વધુ મેથામ્ફેટામાઇન, રોકડ 50,000 ડોલર અને ઘણા બધા મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
અને, 22, 32 અને 38 વર્ષીય ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
તેમને 12મી ફેબ્રુઆરી 2021ના રોજ મેલ્બર્ન મેજીસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.
અને, દેશમાં પ્રતિબંધિત હોય તેવા ડ્રગ્સની આયાત બદલ ક્રિમીનલ કોડ એક્ટ 1995 ના સેક્સન 307. 1(1), તેની જાળવણી બદલ 307.5(1) અને 10,000 ડોલરથી વધુના વ્યવહારો કરવા બદલ સેક્શન 400.6(1) અંતર્ગત વિવિધ ચાર્જ લગાવવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસના કમાન્ડર ઇન્વેસ્ટીગેશન્સ સધર્ન કમાન્ડ ટોડ હન્ટરે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન સમુદાયને ડ્રગ્સના નુકસાનથી સુરક્ષિત રાખવા માટે અમે કટીબદ્ધ છીએ. અને અમે અમારી સાથી સંસ્થાઓ સાથે મળીને આ પ્રકારની ગુનાખોરી અટકાવાના તમામ પ્રયત્નો કરીશું.