કોરોનાવાઇરસની મહામારીમાં નાણાકિય સમસ્યાનો સામનો કરી રહેલા વિક્ટોરીયાના રહેવાસીઓ માટે રાજ્ય સરકારે 50 મિલિયન ડોલરના પેકેજ અંતર્ગત વધુ સહાયતા આપવાનું નક્કી કર્યું છે.
રાજ્ય સરકારે રેડ ક્રોસ સાથે મળીને સમસ્યાનો સામનો કરી રહેલા રહેવાસીઓને નાણાકિય સહાય, માહિતી અને વધુ સ્ત્રોત ઉપલબ્ધ કરવાની યોજના હાથ ધરી છે.
કોને લાભ મળી શકે છે?
કોમનવેલ્થની સહાય તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સહાય મેળવવા પાત્ર ન હોય તેવા લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે.
ટેમ્પરરી વિસા કે પ્રોવિઝનલ વિસા હેઠળ વિક્ટોરીયા રાજ્યમાં રહેતા માઇગ્રન્ટ્સ કે જેમની આવક મર્યાદિત છે તેઓ આ યોજના હેઠળ વ્યક્તિદીઠ 800 ડોલરની રકમ મેળવી શકે છે.
જે લોકોએ યોજનાનો અગાઉ લાભ મેળવ્યો છે તેમને વધુ 400 ડોલર મળવા પાત્ર છે.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે જણાવ્યું હતું કે, કોરોનાવાઇરસના સમયમાં વિવિધ સમુદાયના લોકો તથા ટેમ્પરરી વિસાધારકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી જ, તેમને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ યોજના હેઠળ પરિવારમાં સભ્યોની સંખ્યા તથા તેમના વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં રાખીને તેમને વધુ સહાય મળી શકે છે.
આ સહાય મેળવવા માટે અરજીકર્તાએ તેમની આવક નહીવત્ત અથવા ઓછી હોવાનું, કોઇ પણ પ્રકારની બચત નહીં હોવાનું, તથા કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મેળવવા લાયક ન હોવાનું સાબિત કરવું પડશે.
તમામ જરૂરી માહિતી આપ્યા બાદ સહાયની ચૂકવણી પાંચ દિવસની અંદર કરવામાં આવશે. અને, અરજીકર્તા જો 8 અઠવાડિયા બાદ પણ નાણાકિય સમસ્યાનો સામનો કરતા હશે તો તેમને વધુ સહાય મળે તેવી શક્યતા છે.
મિનિસ્ટર ફોર ડિસેબિલીટી, એજીંગ અને કેરર્સ, લ્યૂક ડોનેલ્લને જણાવ્યું હતું કે, કોમનવેલ્થની સહાય ન મેળવી શકનારા તથા રાજ્યમાં નવા સ્થાયી થયેલા લોકો રાજ્ય સરકારની વિવિધ સહાયનો લાભ મેળવવા પાત્ર છે.
ધ બ્રધરહુડ ઓફ સેન્ટ લોરેન્સ વિવિધ સામુદાયિક સંસ્થાઓ સાથે મળીને નાણાકિય સમસ્યાનો સામનો કરતા લોકોને સહાય મેળવવામાં મદદ કરી રહી છે.
કેન્દ્ર સરકારના જોબકિપર અને જોબસિકર યોજના મેળવવા પાત્ર ન હોય તેવા 8341 લોકોને 3.3. મિલિયન ડોલરના ખર્ચ સાથે આ સહાય પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત, ભાડામાં રાહત, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સહાય, ખાદ્યસામગ્રીની વહેંચણી તથા માનસિક આરોગ્ય જેવી સુવિધા હેઠળ 20,000 લોકોને અત્યાર સુધીમાં મદદ કરવામાં આવી છે, તેમ રાજ્ય સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું.