ફેર વર્ક ઓમ્બુડ્સમાન દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં ખોટા દસ્તાવેજ દર્શાવનારા બ્રિસબેનના એક ફાસ્ટ ફૂડ વેપારને કોર્ટે 204,000 ડોલરનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ફેડરલ સર્કિટ એન્ડ ફેમિલી કોર્ટે રિદ્ધી સિદ્ધી પ્રાઇવેટ લિમિટેડ, જે 'વેજે રામા' ના નામથી ફાસ્ટ ફૂડનો વેપાર કરે છે તેને 185,000 હજાર ડોલરનો દંડ ફટકાર્યો છે.
જ્યારે કંપનીના ડાયરેક્ટર રુચિકા શર્માને 19,000 ડોલરનો દંડ કરવામાં આવ્યો છે.
ફેર વર્ક ઓમ્બુડ્સમાને નેપાળી મૂળના વિસાધારક દ્વારા મળેલી ફરિયાદ બાદ કંપની સામે તપાસ શરૂ કરી હતી.
તે કર્મચારી એપ્રિલ 2018થી ઓગસ્ટ 2019 સુધી કેઝ્યુઅલ કિચનહેન્ડ તરીકે કાર્ય કરતો હતો.
ખોટા દસ્તાવેજ બનાવવા બદલ તથા ફેર વર્ક ઓમ્બુડ્સમાનના અધિકારીઓને તપાસ દરમિયાન તે દસ્તાવેજ જમા કરાવવા બદલ રિદ્ધી સિદ્ધીને દંડ કરવામાં આવ્યો છે.
તે કંપની પર કર્મચારીને ખોટી પે-સ્લિપ તથા ફેર વર્કના આદેશોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ સાબિત થયો છે.
તે કર્મચારી અઠવાડિયાના 66 કલાક કાર્ય કરતો હતો. તેને પ્રતિકલાક 11થી 13 ડોલર જેટલું વેતન આપવામાં આવતું હતું.
ફેર વર્ક ઓમ્બુડ્સમાને કાયદેસરની કાર્યવાહી શરૂ કર્યા બાદ તે કર્મચારીને કંપનીએ 59,400 ડોલર તથા વ્યાજ અને સુપરએન્યુએશન આપ્યુ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
ફેર વર્ક ઓમ્બુડ્સમાન સાન્દ્રા પાર્કરે જણાવ્યું હતું કે, જે નોકરીદાતા ખોટા દસ્તાવેજો દર્શાવીને તપાસમાં અડચણ પેદા કરવાનો પ્રયત્ન કરશે તેમણે વધુ કડક સજાનો સામનો કરવો પડી શકે છે.
ખોટા દસ્તાવેજો બનાવી તેને ફેર વર્કના અધિકારીઓ સામે રજૂ કરવા ગંભીર ગુનો છે અને તેમને કડક સજા કરવામાં આવશે.