ફેર વર્ક ઓમ્બુડ્સમાને હોબાર્ટ સ્થિત ભારતીય ટેક-અવે ફૂડ બિઝનેસને તેના 17 કર્મચારીઓને ઓછા પગારની ચૂકવણી બદલ 42,336 ડોલરનો દંડ ફટકાર્યો છે.
ફેર વર્ક ઓમ્બુડ્સમાનના જણાવ્યા પ્રમાણે સંસ્થામાં કાર્ય કરતા 17 કર્મચારીઓને 63,000 ડોલરની ઓછી ચૂકવણી કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, ફેડરલ સર્કિટ એન્ડ ફેમિલી કોર્ટે ચેલ્લિયાહ ફેમિલી ટ્રસ્ટ અંતર્ગત હેરિગ્ટન સ્ટ્રીટ પર 'લિટલ ઇન્ડિયા' ફૂડ બિઝનેસનો વ્યવસાય કરતા સતચિથાનાનન્થા એન ચેલ્લિયાહ તથા માહેશ્વરી તૂલસેરામને દંડ ફટકાર્યો હતો.
વ્યવસાયમાં કાર્ય કરતા કેઝ્યુઅલ કર્મચારીઓને કલાકના 10 ડોલરના દરથી પગાર આપવામાં આવતો હોવાની ફરિયાદના આધારે દંડ ફટકારવામાં આવ્યો હતો.
દંપત્તિએ ફાસ્ટ ફૂડ ઇન્ડ્રસ્ટ્રી એવોર્ડ 2010 અંતર્ગત, કલાક દીઠ નક્કી કરવામાં આવેલી ચૂકવણી, કેઝ્યુઅલ લોડિંગ, વીકેન્ડ પેનલ્ટી તથા જાહેર રજાના દિવસે લાગૂ દરના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
તપાસ કરતા વ્યક્તિગત રીતે કર્મચારીઓને 270 ડોલરથી 15,224 ડોલર જેટલી ઓછી ચૂકવણી કરવામાં આવી હોવાની જાણકારી મળી હતી.
આ ઉપરાંત, કર્મચારીઓને આપવામાં આવતી પે-સ્લિપ તથા અન્ય વિગતોમાં પણ ચેડા કરવામાં આવ્યા હતા.
ફેર વર્ક ઓમ્બુડ્સમાને આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ભોગ બનેલા કર્મચારીઓમાં 2 કર્મચારી ભારત, એક નેપાળના હતા.
ફેર વર્ક ઓમ્બુડ્સમાન તરફથી સાન્દ્રા પાર્કરે જણાવ્યું હતું કે, ફાસ્ટ ફૂડ, રેસ્ટોરન્ટ્સ, કેફે તથા અન્ય તમામ વ્યવસાયોમાં કર્મચારીઓને યોગ્ય હક તથા નિયમ પ્રમાણે વેતન મળે તે માટે ફેર વર્ક ઓમ્બુડ્સમાન કાર્ય કરી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી માઇગ્રન્ટ્સ કર્મચારીઓનું શોષણ થવાની શક્યતાઓ વધુ છે. જે કોઇ પણ વેપાર - ઉદ્યોગ કર્મચારીઓનું શોષણ કરશે તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.
જો કોઇ નોકરીદાતા કે કર્મચારીને નોકરીના હકો તથા વેતન સંબંધિત મફત સલાહ મેળવવી હોય તો તેઓ www.fairwork.gov.au ની મુલાકાત અથવા 13 13 94 પર સંપર્ક કરી શકે છે.