તાજેતરમાં અટકાયતમાં લેવાયેલ તમિલ કુટુંબને રાખવા ૨૭ મિલિયન ડોલરને ખર્ચે ક્રિસમસ આઇલેન્ડ અટકાયત કેન્દ્ર ફરીથી કાર્યરત કરવામાં આવ્યું છે.
અટકાયત કેન્દ્રમાં ૧00 થી વધુ કર્મચારીઓ છે જે હાલ માત્ર એક પરિવારને, બાયોએલાના તમિલ પરિવારના ચાર સભ્યો , પ્રિયા, નાદેસલિંગમ અને તેમની ચાર અને બે વર્ષની દીકરીઓ પર દેખરેખ રાખે છે. ગૃહ બાબતોના વિભાગના અધિકારીઓએ સોમવારે એક અંદાજ સમિતિને આ માહિતી આપી હતી.
આ વર્ષે અમલમાં આવેલા નવા મેડીવેક (medevac) કાયદા હેઠળ નારૂ કે માનુસ ટાપુ પરથી તબીબી સારવાર માટે મોટી સંખ્યામાં નિરાશ્રીતોને ઓસ્ટ્રેલિયા લાવવામાં આવે તેવા ભયથી મોરીસન સરકારે ફેબ્રુઆરીમાં ક્રિસમસ આઇલેન્ડ ફરીથી ખોલ્યું હતું જો કે એવો કોઈ ધસારો જોવા મળ્યો નથી.
મોરિસન સરકારે દલીલ કરી છે કે બીમાર નિરાશ્રીતો માટે આ કેન્દ્ર ખુલ્લું રાખવું જરૂરી છે.
તપાસ સમિતિ સમક્ષ રજૂ થયેલા આંકડા મુજબ ૧૬ ફેબ્રુઆરીએ ખોલવામાં આવેલા આ કેન્દ્રનો ૩૧ ઓગસ્ટ સુધીનો વહીવટી ખર્ચ $ ૨૬.૮ મિલિયન છે.
૪ લોકોની અટકાયત માટે ૧૦૦ કર્મચારીઓ
ગ્રીન્સ પક્ષના સેનેટર મ્ક્કીમે બોર્ડર ફોર્સ કમિશ્નરને સવાલ કર્યો હતો કે ૪ લોકોની અટકાયત માટે ૧૦૦ કર્મચારીઓ છે એ વાત સાચી છે? ત્યારે કમિશ્નરે તેમની સાથે સંમત થઇ આ વાતની પુષ્ટિ કરી.
ગૃહ વિભાગના સેક્રેટરી માઈક પેઝુલ્લો એ વધુ ચોખવટ માંગતા પૂછ્યું હતું કે કેન્દ્રમાં ૧00નો સ્ટાફ કેટલો સમય રહેશે. તેના પ્રતિસાદમાં ગૃહ બાબતોના સચિવએ જણાવ્યું હતું કે આ વ્યવસ્થાથી આશ્રય અને કાયમી વસવાટના ઈરાદાથી ગેરકાયદે ઓસ્ટ્રેલિયા આવતા લોકોને નિરુત્સાહ કરવામાં મદદ મળે છે, તેનાથી ઘુસણખોરીનું પ્રમાણ ઘટ્યું છે તેથી આ વ્યવસ્થા લાંબા સમય સુધી રાખવામાં આવશે.