ઓસ્ટ્રેલિયન સરકાર પાર્ટનર વિસાના અરજીકર્તા માટે અંગ્રેજી ભાષાની પરીક્ષાનો નિયમ અમલમાં મૂકશે.
વડાપ્રધાન સ્કોટ મોરિસને બુધવારે બહુસાંસ્કૃતિક મીડિયા સાથે વાત કરતી વખતે આ અંગે વધુ જાણકારી આપી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે, વિદેશથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થનારા જીવનસાથીને દેશની સરકારી સુવિધા, આરોગ્ય સુવિધા તથા ઘરેલું હિંસા જેવી બાબતોમાં સહાયતા મળી રહે તે માટે તેમણે અંગ્રેજીની લાયકાત સાબિત કરવી પડશે.
તેમણે ઉમેર્યું હતું કે ઓસ્ટ્રેલિયન સમાજમાં ભળવા જવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. અને અંગ્રેજીનું પૂરતું જ્ઞાન ન હોય તેવા જીવનસાથીને અહીં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી જ આ ફેરફાર લાગૂ કરવામાં આવી રહ્યો છે.
સરકારે કરેલી નવી જાહેરાત અંગે મેલ્બર્ન સ્થિત માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે પાર્ટનર વિસા અને સ્પોન્સરે અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન સાબિત કરવું પડશે.

Prime Minister Scott Morrison Source: AAP
આ પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવવા જરૂરી છે તે ઓસ્ટ્રેલિયન સરકારે હજી જાહેર કર્યું નથી પરંતુ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે અંગ્રેજીનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
અત્યાર સુધી ક્યારેય પણ પાર્ટનર વિસામાં અંગ્રેજીની લાયકાતનો નિયમ અમલમાં નહોતો. ઓસ્ટ્રેલિયન સરકારે પ્રથમ વખત આ પ્રકારનો નિયમ લાગૂ કર્યો છે, તેમ પાર્થ પટેલે ઉમેર્યું હતું.
અન્ય કેટલાક સુધારા
મંગળવારે જાહેર કરવામાં આવેલા બજેટમાં સરકારે વિવિધ વિસા શ્રેણીમાં કેટલાક સુધારા કર્યા હતા. જેમાં
પારિવારીક વિસાની શ્રેણીને 47,732થી વધારીને 77,300 કરવામાં આવી છે. જેમાંથી 72,300 પાર્ટનર વિસાનો સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયામાં અગાઉથી જ સ્થાયી હશે તેવા અરજીકર્તાને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, જો સ્પોન્સર રીજનલમાં સ્થાયી હશે તો તેમના પાર્ટનરના વિસાની પ્રક્રિયા ઝડપથી કરાશે તેમ બજેટમાં જાહેરાત કરાઇ હતી.