વંદે ભારત મિશન હેઠળ ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીય નાગરિકોને વતન પરત લઇ જવા માટે મૂકવામાં આવેલી સ્પેશિયલ ફ્લાઇટ્સની પ્રથમ ફ્લાઇટ ગુરુવારે રવાના થઇ હતી.
સિડની એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI301 એ 224 પેસેન્જર્સ સાથે ન્યૂ દિલ્હી માટે ઉડાન ભરી હતી. તેમ ઓસ્ટ્રેલિયામાં કાર્યરત ભારતીય હાઇકમિશને ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ઊતરાણ કર્યા બાદ આ તમામ પેસેન્જર્સના આરોગ્યની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ તેમને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન સેન્ટર્સમાં દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
ફ્લાઇટમાં જતા અગાઉ આરોગ્યની ચકાસણી
સિડનીથી ન્યૂ દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટના એક પેસેન્જરે સોશિયલ મીડિયા પર સમગ્ર પ્રક્રિયાની માહિતી આપી હતી.
- સૌ પ્રથમ પ્રવેશદ્વાર પર પાસપોર્ટ અને ટિકીટની ચકાણસી કરાયા બાદ અંદર પ્રવેશ મળ્યો હતો. ત્યાર બાદ પાસપોર્ટ દ્વારા ભારતીય નાગરિક, ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્ટ અથવા ઓસ્ટ્રેલિયન સિટીઝન્સને અલગ અલગ લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા હતા.
- જે દરમિયાન તમામ મુસાફરોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી અને, બે ફોર્મ ભરાવ્યા બાદ અધિકારીઓએ ચેક – ઇનની પ્રક્રિયા શરૂ કરી હતી.
- ચેક ઇન અને ઇમિગ્રેશનની પ્રક્રિયા સામાન્ય રીતે જ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મુસાફરોને ફ્લાઇટમાં લઇ જવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં હજી 6 ફ્લાઇટ્સ ભારત માટે રવાના થશે
ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીય લોકોને વતન પરત લાવવાના આયોજન હેઠળ ભારત સરકારે 7 ફ્લાઇટ્સની જાહેરાત કરી છે. જે અંતર્ગત, ગુરુવારે સવારે સિડનીથી ન્યૂ દિલ્હી માટેની ફ્લાઇટ્સ રવાના થઇ હતી અને હવે આગામી 28મી મે સુધીમાં વધુ છ ફ્લાઇટ્સ ઉડાન ભરશે.
સિડની અને મેલ્બર્નથી ભારતના છ શહેરો ન્યૂ દિલ્હી, અમૃતસર, અમદાવાદ, બેંગલોર, કોચિન તથા હૈદરાબાદ માટે ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
- મે 22 – મેલ્બર્નથી અમૃતસર
- મે 23 – સિડનીથી અમૃતસર
- મે 23 – મેલ્બર્નથી બેંગલોર
- મે 25 – સિડની – અમદાવાદ
- મે 25 – મેલ્બર્ન – કોચિન
- મે 28 – મેલ્બર્ન – હૈદરાબાદ
ટિકીટના ભાવ
ઓસ્ટ્રેલિયાથી ભારત જનારા એર ઇન્ડિયાના ખાસ વિમાનના ટિકીટના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ ક્લાસની ટિકીટનો ભાવ 4110 ડોલર, 4310 ડોલર, ઇકોનોમી ટિકીટનો ભાવ 1670 ડોલર, 1770 ડોલર તથા જે-તે મુસાફરે અગાઉથી જ એર ઇન્ડિયામાં ટિકીટ બુક કરાવી હતી તેમને 835 કે 885 ડોલર ચૂકવવા પડશે.
25મી મેના રોજ અમદાવાદ માટે ફ્લાઇટ
ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીયો માટે સાત ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં અમદાવાદની ફ્લાઇટ્સનો પણ સમાવેશ કરાયો છે. 25મી મેના રોજ સિડનીથી અમદાવાદ માટે AI301 ઉડાન ભરશે.
અમદાવાદ માટેની ફ્લાઇટની ટિકીટનો ભાવ અનુક્રમે 4310 ડોલર, 1770 ડોલર કે 885 ડોલર નક્કી કરવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ માટે પસંદ કરાયેલા મુસાફરોને હાલમાં ભારતીય હાઇકમિશન દ્વારા જાણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં એર ઇન્ડિયા દ્વારા તેમને ટિકીટ બુક કરાવવા માટે સંપર્ક કરવામાં આવશે.
જોકે, બીજી તરફ હજી પણ એવા ઘણા ભારતીય લોકો ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયા છે જેમની પ્રથમ તબક્કામાં પસંદગી કરવામાં આવી નથી. અને, જો બીજો તબક્કો શરૂ થાય તો તેમાં તેમની પસંદગી થાય તે માટે રાહ જોઇ રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ.
કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.