ભારત સરકારે ઓવરસીસ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડધારકોને તાજેતરમાં કેટલીક છૂટછાટ આપી છે.
છૂટછાટ અંતર્ગત - ભારત મુસાફરી કરતી વખતે OCI કાર્ડધારકોએ તેમના જૂના કે અવધિ સમાપ્ત થઇ ગયેલા હોય તેવા પાસપોર્ટ સાથે મુસાફરી કરવાની જરૂરીયાત નથી.
હાઇલાઇટ્સ
- OCI કાર્ડધારકોએ હવે ભારત મુસાફરી દરમિયાન તેમનો જૂનો પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી.
- 20 વર્ષથી નાના અને 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને નવું OCI કાર્ડ મેળવવા વધુ સમય અપાયો.
- મેલ્બર્ન સ્થિત કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા રાજ કુમારે માર્ગદર્શિકા અમલમાં આવી હોવાનું જણાવ્યું.
ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, OCI કાર્ડધારકો કે જેઓ વર્તમાન OCI માં જૂના પાસપોર્ટ નંબર સાથે પ્રવાસ કરી રહ્યા છે તેમને જૂનો પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી. જોકે, તેમણે વર્તમાન નવો પાસપોર્ટ સાથે રાખવો ફરજિયાત રહેશે.
આ ઉપરાંત, સરકારે OCI કાર્ડધારકો માટે કેટલીક છૂટછાટ પણ જાહેર કરી છે. જે અંતર્ગત હવે 20 વર્ષથી નાના અને 50 વર્ષથી મોટી ઉંમરના મુસાફરોને તેમનું મુસાફરીનો નવો દસ્તાવેજ મેળવવા માટે 31 ડીસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ ફેરફાર વર્ષ 2020માં કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. તેને ઘણી વખત લંબાવવામાં આવ્યો છે.
જોકે, જૂનો પાસપોર્ટ સાથે રાખવા વિશેનો નિયમ પ્રથમ વખત જ બદલવામાં આવ્યો છે.
SBS Punjabi સાથેની વાતચીતમાં કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા, રાજ કુમારે જણાવ્યું હતું કે, નવી માર્ગદર્શિકા વિદેશ સ્થિત ભારતીય કોન્સ્યુલેટમાં પ્રસારિત થઇ છે.
નવી માર્ગદર્શિકા પ્રમાણે ભારતીય મૂળના OCI કાર્ડ ધરાવતા લોકો જો ભારત પ્રવાસ કરવા માંગતા હશે તો તેમણે તેમનો વર્તમાન પાસપોર્ટ જ સાથે રાખવો પડશે. જૂનો કે નવો પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી.
અગાઉ ઓક્ટોબર 2019માં પણ OCI કાર્ડ સાથે સંકળાયેલા અમુક ફેરફારો બાદ ભારત પ્રવાસ કરતા કેટલાક મુસાફરોને ફ્લાઇટમાં પ્રવેશ મેળવવાથી અટકાવવામાં આવ્યા હતા.
આ અંગે રાજ કુમારે જણાવ્યું હતું કે કેટલીક વખત એરલાઇન કંપની પાસે નવી માર્ગદર્શિકા કે તાજી માહિતી ન હોવાથી અસમંજસની સ્થિતી ઉભી થાય છે.
વર્ષ 2019માં બનેલી ઘટના બાદ ખાનગી એરલાઇન કંપનીને માહિતગાર કરી દેવામાં આવી છે. તેથી આ વખતે કોઇ મુશ્કેલી ન પડે તેવી આશા છે.
જોકે બીજી તરફ, સિડની સ્થિત ભારતીય કોન્સ્યુલેટે મુસાફરોને કોઇ પણ પ્રકારની પરેશાની કે હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે કેટલાક સમય સુધી તેમનો જૂનો પાસપોર્ટ સાથે રાખીને મુસાફરી કરવી હિતાવહ હોવાનું જણાવ્યું છે.