ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરવા માટે ગૃહ મંત્રાલયે કેટલાક દિશાનિર્દેશ જાહેર કર્યા

કોરોનાવાઇરસના કારણે વિશ્વના વિવિધ દેશોમાં ફસાઇ ગયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરાશે, ઓસ્ટ્રેલિયાથી પરત ફરવા માંગતા ભારતીયોએ 10મી મે સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મમાં તેમની વિગતો આપવાની રહેશે.

Travellers during coronavirus pandemic.

Travellers during coronavirus pandemic. Source: SBS Gujarati

હાલમાં કોરોનાવાઇરસની મહામારીમાં  ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીય લોકોએ જો વતન પરત ફરવું હોય તો તેના માટે ભારત સરકારે યોજના અમલમાં મૂકી છે.

ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા ભારતીયોએ રજીસ્ટ્રેશન કરવું પડશે

ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા ભારતીય લોકોને જો વતન પરત ફરવું હશે તો તેમણે તેમની વિગતો આપેલા ફોર્મમાં ભરવાની રહેશે.

આ ઉપરાંત, જે વ્યક્તિઓએ અગાઉ વ્યક્તિગત રીતે મિશન કે કોન્સ્યુલેટનો સંપર્ક કર્યો હતો તેમણે પણ તેમની વિગતો ફોર્મમાં ભરવાની રહેશે.

વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા માટે કોઇ ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી નથી. વિગતો મેળવ્યા બાદ ભારત સરકાર કોઇ નિર્ણય લેશે ત્યારે તેની જાણ ભારતીય હાઇકમિશન તેમની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કરશે, તેમ ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઇકમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું. 

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 10મી મે 2020ના રોજ સમાપ્ત થશે.
વિદેશમાં અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓ, નોકરીકર્તા, મુલાકાતીઓ, વેપાર – ઉદ્યોગ અર્થે વિદેશ ગયેલા લોકોને 7મી મેથી તબક્કાવાર ભારત પરત લાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે.

તે માટે ભારત સરકારના ગૃહ વિભાગે કેટલાક દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જે અંતર્ગત પ્રક્રિયા કર્યા બાદ તેમને ભારત પરત લાવવામાં આવશે. આ ઉપરાંત, ભારતમાં ઊતરાણ કર્યા બાદ પણ કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

વિવિધ દિશાનિર્દેશોની યાદી...

  • જે-તે દેશમાં ફસાઇ ગયેલી ભારતીય વ્યક્તિએ વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે તે દેશના ભારતીય ઉચ્ચાયુક્તમાં તેમની નોંધણી કરાવવી પડશે.
  • તેમને સિવિલ એવિયેશન મંત્રાલયની નોન-શીડ્યુલ્ડ ફ્લાઇટ્સ દ્વારા તથા મિલીટ્રી અફેર્સ વિભાગના નવલ શીપ મારફતે પરત લવાશે. જે ક્રૂ તથા સ્ટાફના સભ્યનો કોરોનાવાઇરસનો ટેસ્ટ નેગેટીવ આવશે તેને જ આ ફ્લાઇટ – જહાજમાં કાર્ય કરવાની પરવાનગી અપાશે.
  • માનસિક તણાવ, જેમના વિસા નજીકના ભવિષ્યમાં પૂરા થઇ રહ્યા હોય, નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હોય, મેડિકલ ઇમરજન્સી, સગર્ભા મહિલા, વૃદ્ધ, વિદ્યાર્થી અને જેમના નજીકના સગાનું મૃત્યુ થયું હોય તેવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • મુસાફરીનો ખર્ચ પ્રવાસીઓ પોતે જ ઉઠાવવાનો રહેશે.
  • રજીસ્ટ્રેશનમાં મેળવેલી વિગતો બાદ, વિદેશ મંત્રાલય ફ્લાઇટ – જહાજ પ્રમાણે મુસાફરની વિગતો જેમ કે, નામ, ઉંમર, જાતિ, મોબાઇલ નંબર, નિવાસસ્થાન, અંતિમ સ્થાન તથા ટેસ્ટની યાદી બનાવશે. અને ત્યાર બાદ વિદેશ મંત્રાલય જે-તે રાજ્યો – ટેરીટરીની સરકારોને તે વિગતો આપશે.
  • વિદેશ મંત્રાલય દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓ જે-તે રાજ્યો – ટેરીટરીના અધિકારીઓના સંપર્કમાં રહેશે.
  • વિદેશ મંત્રાલય બે દિવસ અગાઉ ફ્લાઇટ – જહાજની વિગતો તેના ડીઝીટલ પ્લેટફોર્મ પર મૂકશે.
  • ફ્લાઇટ – જહાજમાં બેસતા અગાઉ તમામ મુસાફરોએ ભારતમાં ઊતરાણ કર્યા બાદ સ્વખર્ચે ક્વોરન્ટાઇન સેન્ટરમાં 14 દિવસ સુધી રહેવાની ખાતરી આપવી પડશે.
  • તમામ મુસાફરોએ પોતાના જોખમ પર આ મુસાફરી કરી રહ્યા હોવાની ખાતરી આપવી પડશે.
  • ફ્લાઇટ – જહાજમાં જતા અગાઉ તમામ મુસાફરોની આરોગ્યની ચકાસણી કરાશે. વાઇરસના લક્ષણો ન હોય તેવી જ વ્યક્તિને બેસવાની પરવાનગી અપાશે.
  • જમીન માર્ગે ભારતમાં પ્રવેશતા તમામ મુસાફરોએ પણ ઉપરના તમામ નિયમોનું પાલન કરવું પડશે અને જેમનામાં વાઇરસના લક્ષણો નહીં જણાય તેમને જ બોર્ડર પાર કરવાની પરવાનગી અપાશે.
  • તમામ મુસાફરોએ સ્વ-ઘોષિત ફોર્મ ભરવું પડશે અને તેની એક કોપી એરપોર્ટ, સીપોર્ટ અને લેન્ડપોર્ટ પર રહેલા અધિકારીઓને પણ અપાશે.
  • ફ્લાઇટ – જહાજમાં મુસાફરી દરમિયાન પણ આરોગ્યના નિયમોનું ધ્યાન રાખી મુસાફરોએ માસ્ક પહેરવું પડશે અને વિવિધ સ્વસ્છતા જાળવવી પડશે. આ તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ તેનું ક્રૂ મેમ્બર્સ, એરલાઇન - જહાજના સ્ટાફ દ્વારા ધ્યાનમાં રખાશે.
  • ભારતમાં ઉતરાણ બાદ તમામ મુસાફરોના આરોગ્યની ચકાસણી કરાશે.
  • તમામ મુસાફરોને તેમના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતૂ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જણાવાશે.
  • જે કોઇ મુસાફરમાં વાઇરસના લક્ષણો જણાશે તો તેમને નિયમ અંતર્ગત સીધા જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાશે.
  • બાકીના મુસાફરોને રાજ્યો અને ટેરીટરી દ્વારા નક્કી કરવામાં આવેલા ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડાશે.
  • તે તમામ મુસાફરોને 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે.
  • જો 14 દિવસ બાદ તેમનો રીપોર્ટ નેગેટીવ આવશે તો તેમને પોતપોતાના ઘરે જવાની પરવાનગી અપાશે અને ત્યાં તેમણે આગામી 14 દિવસ સુધી પોતાની જાતે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે.

Share
Published 6 May 2020 1:45pm
Updated 6 May 2020 1:59pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends