કોરોનાવાઇરસની મહામારીના સમયમાં મુશ્કેલીનો સામનો કરતા વિક્ટોરીયા રાજ્યની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે ઇમરજન્સી સપોર્ટ પેકેજ આપવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ 1100 ડોલર સુધીની નાણાકિય રાહત મેળવી શકશે.
સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ રાજ્યના અર્થતંત્રમાં એક મહત્વનો ભાગ ભજવે છે. યુનિવર્સિટીમાં ફી પેટે જ નહીં પરંતુ અન્ય નાણાકિય પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યના અર્થતંત્રને વેગ મળે છે.
હજારો લોકોની જેમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ કોરોનાવાઇરસની મહામારીના સમયમાં નાણાકિય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ હોસ્પિટાલિટી, સુપરમાર્કેટ્સમાં પાર્ટ ટાઇમ કે કેઝ્યુઅલ નોકરી કરતા હતા અને હાલમાં તેમની નોકરી છૂટી જવાથી સમસ્યા અનુભવી રહ્યા છે.
45 મિલિયન ડોલરનું રાહત પેકેજ
મહામારીના સમયમાં વિદ્યાર્થીઓને મદદ મળી રહે તે માટે વિક્ટોરીયન સરકારે 45 મિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નાણાકિય સહાય કરવામાં આવશે તથા ઘણી વિપરીત પરિસ્થિતીનો સામનો કરતા વિદ્યાર્થીઓ માટે ઇમરજન્સી સર્વિસ પણ શરૂ કરાશે.
40,000 વિદ્યાર્થીઓને લાભ થશે
વિક્ટોરીયન સરકારના જણાવ્યા પ્રમાણે, રાજ્યની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ટાફે, ખાનગી વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ તથા ઇંગ્લિશ લેન્ગ્વેજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે કોરોનાવાઇરસના કારણે તેમની નોકરી ગુમાવી છે તેમને પેકેજ અંતર્ગત મદદ મળશે.
વિદ્યાર્થીઓ તેમની આવકનો પૂરાવો આપીને 1100 ડોલર સુધીની સહાય મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે આંતરારાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા ગયા નાણાકિય વર્ષે રાજ્યને 12.6 બિલિયન ડોલરની આવક થઇ હતી. અને, ચીન, ભારત, નેપાળ, મલેશિયા અને વિયેતનામથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે.
અન્ય રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ટેમ્પરરી માઇગ્રન્ટ માટેના પેકેજ
વિક્ટોરીયા રાજ્યએ આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. જોકે, આ અગાઉ તાસ્મેનિયા, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને સાઉથ ઓસ્ટ્રેલિયાએ પણ મુશ્કેલીમાં મુકાયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ માટે વિવિધ પેકેજ અમલમાં મૂક્યા છે.
- તાસ્મેનિયા: 3 મિલિયન ડોલરના પેકેજ હેઠળ વિસાધારકોને 250 ડોલર, તથા પરિવારને 1000 ડોલર સુધીની સહાય
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી: 450,000 ડોલરના પેકેજની જાહેરાત, જે અંતર્ગત નોકરી ગુમાવનારા ટેમ્પરરી માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે.
- સાઉથ ઓસ્ટ્રેલિયા: 13.8 મિલિયન ડોલરના પેકેજની જાહેરાત, રાજ્યની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પેકેજ માટે અરજી કરી શકે છે.