ઓસ્ટ્રેલિયન સરકારના અંદાજ પ્રમાણે, હાલમાં દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની સંખ્યા 64,000થી પણ વધારે છે. જેમાંથી મોટાભાગના લોકો તેમના વિસા પૂરા થઇ ગયા હોવા છતાં પણ ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહ્યા છે.
દેશના બિન નાગરિકોના હકો માટે લડતા સમર્થકોના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદેસર રીતે રહેતા માઇગ્રન્ટ્સ હાલમાં કોરોનાવાઇરસના સમયમાં આરોગ્ય સાથે સંકળાયેલી સારવાર લેવા માટે અસમર્થ બનતા તેમને જોખમ ઉભું થઇ શકે તેમ છે.
ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો મેડિકેર અથવા તો વેલફેર અંતર્ગત અપાતી નાણાકિય સહાય મેળવી શકતા નથી. તેથી જ જો તેમની નોકરી છૂટી જાય તો તેઓ મુશ્કેલીમાં મૂકાઇ શકે છે.
આ ઉપરાંત, અધિકારીઓ તેમને ઓસ્ટ્રેલિયાના વિસા વિશેના પ્રશ્નો પૂછશે તેવા ભયથી તેઓ કોરોનાવાઇરસના સમયમાં પણ આરોગ્ય સાથે સંકળાયેલી સેવાઓનો લાભ લેવાથી પણ દૂર રહે છે.મોહમ્મદ* મલેશિયાથી વર્ષ 2013માં ટુરિસ્ટ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. તેણે SBS News ને જણાવ્યું હતું કે તેને અગાઉ અસ્થમાની બિમારીની સારવાર કરાવવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો અને હાલમાં જો તેને કોરોનાવાઇરસ થયો તો સારવાર કેવી રીતે કરાવશે તેનો ભય સતાવે છે.
Temporary visa holders face significant financial hardship during the coronavirus crisis. Source: AAP
વિસા પૂરા થયા બાદ 20 વર્ષીય મોહમ્મદ ઓસ્ટ્રેલિયામાં જ વસી ગયો અને તે હાલમાં ખેતરોમાં ગેરકાયદેસર રીતે કામ કરે છે. તેને દરેક બોક્સ દીઠ 1.20 ડોલર જેટલી ચૂકવણી થાય છે.
મોહમ્મદ હાલમાં બ્રિઝીંગ વિસા – ઇ પર છે. તેણે શરણાર્થી વિસા માટે અરજી કરી છે. તેથી જ તે રીજનલ વિક્ટોરિયાના કોઇ ખેતરમાં નોકરી કરે છે અને યોગ્ય વળતર મેળવી શકતો નથી. મોહમ્મદ નોકરીમાંથી તેના ઘરના ભાડા અને કરિયાણાના ખર્ચા જેટલી જ કમાણી કરી શકે છે.
અનડોક્યુમેન્ટેડ માઇગ્રન્ટ્સ સોલીડારિટીના વડા તથા માઇગ્રેશન લોયર સન્મતી વર્માના જણાવ્યા પ્રમાણે મોહમ્મદની કહાની કંઇ અલગ નથી.
તેમણે જણાવ્યું હતું કે ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયામાં રહેતા મોટાભાગના લોકોના કાયદેસરના વિસા પૂરા થઇ ગયા હોય છે અને તેઓ ત્યાર બાદ પોતાના વતન પરત જતા નથી.
ઓસ્ટ્રેલિયામાં 64,000થી પણ વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ
વર્ષ 2017માં સેનેટ કમિટીએ બહાર પાડેલા આંકડા પ્રમાણે, દેશમાં 64,000થી પણ વધારે લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. જેમાંથી લગભગ 6600 લોકો 15 – 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં છે.
મોનાશ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર મેરી સેગ્રાવેસના જણાવ્યા પ્રમાણે, આંકડો હજી પણ વધુ હોઇ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાના કારણે માઇગ્રન્ટ્સ લઘુત્તમ વેતનથી પણ ઓછા દરે નોકરી કરે છે અને નાની જગ્યામાં ક્ષમતા કરતા પણ વધુ લોકો વસવાટ કરે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી.
ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ માટે ફંડ
સન્મતી વર્માના ગ્રૂપે કોરોનાવાઇરસના સમયમાં ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોને પડી રહેલી મુશ્કેલી માટે 41,000 ડોલરનું ફંડ એકઠું કર્યું છે.
આ ઉપરાંત, તેમને આરોગ્ય સાથે સંકળાયેલી સુવિધા પણ મળી રહે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બીજી તરફ, વિક્ટોરિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યએ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ન ધરાવતા લોકો માટે પણ કોરોનાવાઇરસની સારવારનો ખર્ચો માફ કર્યો છે.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં રહેતા તમામ લોકોએ જો તેમને કોરોનાવાઇરસના લક્ષણો જણાય તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ પ્રમાણે સારવાર લેવી જરૂરી છે.
તેમણે ઓસ્ટ્રેલિયામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પણ આગળ આવી તેમની પરિસ્થિતી વિશે જાણ કરવા જણાવ્યું છે.
* નામ બદલ્યું છે.