ન્યૂઝીલેન્ડની રેસીડેન્સી લેવાના પ્રયત્નમાં એક ભારતીય નાગરિક પર પોતાની અંગ્રેજીની પરીક્ષા માટે એજન્ટનો ઉપયોગ કરવાનો આરોપ મુકાયો હતો. અને, તેના કારણે તેની અરજી બીજી વખત રદ કરવામાં આવી છે.
ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે 26 વર્ષીય ભારતીય નાગરિકની વિસા અરજી રદ કર્યા બાદ તેણે ઇમિગ્રેશન એન્ડ પ્રોટેક્શન ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી. જોકે, ટ્રીબ્યુનલે પણ ચારિત્ર અંગેની જરૂરિયાત ન સંતોષવા બદલ તેની અરજી ફગાવી દીધી હતી.
ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડે જ્યારે આ વર્ષની શરૂઆતમાં તેની અરજી રદ કરી હતી ત્યારે ખરાબ ચારિત્રનું કારણ આપ્યું હતું. ભારતમાં મૂળ પંજાબના નાગરિકે ન્યૂઝીલેન્ડમાં ઘણી વખત સ્ટુડન્ટ વિસા તથા ઇન્ટરીમ (વચગાળાના) વિસા મેળવ્યા હતા. અને, ત્યાર બાદ મે 2018માં તેણે રેસીડેન્સી માટે અરજી કરી હતી.
તેણે ઇન્ટરીમ વિસા વખતે ગેરકારદેસર નોકરી કરી હતી અને ત્યાર બાદ આ બાબત ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટ સામે છુપાવી હતી.
ત્યાર બાદ, સ્ટુડન્ટ વિસા માટેની તેની અંગ્રેજી ભાષાના જ્ઞાનની ચકાસણી વખતે તેણે ફોન પર અન્ય કોઇ વ્યક્તિનો ઉપયોગ કર્યો હતો.
ટાઇમલાઇન
- કોર્ટના દસ્તાવેજ પ્રમાણે તેણે 2014થી 2017 સુધી ન્યૂઝીલેન્ડના સ્ટુડન્ટ વિસા મેળવ્યા હતા.
- 2014માં જ્યારે ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ દ્વારા તેનો સ્ટુડન્ટ વિસા માટેનો ટેલિફોનીક ઇન્ટરવ્યું લેવામાં આવ્યોતે સમયે તેના બદલે અન્ય કોઇ વ્યક્તિએ ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટ સાથે વાત કરી હતી. અને, સ્ટુડન્ટ વિસા મેળવવામાં સફળતા મેળવી હતી.
- 2016માં તેની સ્ટુડન્ટ વિસાની અન્ય એક અરજી અંગ્રેજી ભાષાની યોગ્ય લાયકાત ન હોવાના કારણે રદ કરવામાં આવી હતી.
- ત્યાર બાદ તેણે વચગાળાના વિસા મેળવ્યા હતા, જેમાં કોઇ પણ વ્યક્તિ નોકરી કરી શકતો નથી. વચગાળાના વિસા દરમિયાન તે વ્યક્તિએ ગેરકાયદેસર રીતે નોકરી કરી હતી અને વિસાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
- વર્ષ 2016માં તેણે ન્યૂઝીલેન્ડના રેસીડેન્ટ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તે 2017માં ભારત ગયો અને ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ પરત ફર્યો નથી.
- મે 2018માં તેણે પાર્ટનર કેટેગરી અંતર્ગત પર્મેનન્ટ રેસીડેન્સી માટે અરજી કરી હતી. જે રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણે ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી, તે પણ રદ કરવામાં આવી છે.
26 વર્ષીય ભારતીય નાગરિકે ઇમિગ્રેશન અધિકારીઓને જણાવ્યું હતું કે તેની અંગ્રેજીની ટેસ્ટમાં કોણે અધિકારીઓ સાથે ફોન પર વાત કરી તેની કોઇ જાણ નથી.
તેના બચાવમાં તેના વકીલે જણાવ્યું હતું કે એજ્યુકેશન એજન્ટે તે વ્યક્તિના બદલામાં વાત કરી હોય તેવી શક્યતા છે. તેથી એજન્ટની ભૂલના કારણે તે વ્યક્તિને જવાબદાર ન ગણી શકાય.
આ ઉપરાંત, વકીલે જણાવ્યું હતું કે ઇન્ટરીમ વિસા દરમિયાન તેના અસીલે નાણાકીય પરિસ્થિતિ સારી ન હોવાના કારણે નોકરી કરી હતી અને જ્યારે તેના પાર્ટનરને નોકરી મળી ગઇ ત્યારે તેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું.
ટ્રીબ્યુનલે ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડના નિર્ણયને માન્ય રાખ્યો હતો અને ભારતીય નાગરિકની અરજી ફગાવી દીધી હતી.
ટ્રીબ્યુનલે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે તે વ્યક્તિએ વચગાળાના વિસા દરમિયાન નોકરી કરીને સરકારના વિસાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તે સ્વીકાર્ય નથી.