અવતાર સિંઘ પાસે ઓસ્ટ્રેલિયામાં રહેવાના માન્ય વિસા વર્ષ 2001 સુધીના હતા. ત્યારબાદથી અત્યાર સુધીમાં તેમણે ઘણી વખત વિવિધ પ્રકારના વિસા માટે અરજીઓ કરી હતી પરંતુ તે તમામ ફગાવી દેવામાં આવી હતી. તેમ છતાં, તેમણે ઓસ્ટ્રેલિયામાં વસવાટ ચાલૂ જ રાખ્યો હતો.
59 વર્ષીય ભારતીય નાગરિક અવતાર સિંઘ 30મી નવેમ્બર 2000ના રોજ વિઝીટર વિસા પર ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. તેમના વિઝીટર વિસા 2001માં પૂરા થયા બાદ તેમણે ઓસ્ટ્રેલિયા છોડ્યું નહોતું.
તેમની વિસા ફગાવી દેવાની અપીલ પર સિડનીમાં ફેડરલ સર્કિટ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. તેમની વિસાની અંતિમ અરજી ડિસેમ્બર 2017માં થઇ હતી. જેમાં તેમણે બેચેની તથા ઉચ્ચ રક્તચાપ (Anxiety and Hypertension) ની બિમારી હોવાથી તબીબી સારવારનું કારણ ધર્યું હતું.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે તેમની વિસા અરજી ફગાવી દીધી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે મિ. સિંઘને જે હંગામી વિસા મળ્યા હતા તેનું તેમણે ઉલ્લંઘન કર્યું છે.
અવતાર સિંઘે ત્યાર બાદ એડમિનિસ્ટ્રેટીવ અપીલ્સ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી. જોકે, ટ્રીબ્યુનલે 21 દિવસની સમય અવધિ બાદ તેમણે અરજી કરી હોવાથી તે અપીલને ફગાવી દીધી હતી.
મિ. સિંઘે તેમના ટ્રિબ્યુનલને પડકારતા જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલે તેમની વાત સાંભળ્યા વગર જ તેમની અરજી ફગાવી દીધી છે. કોર્ટે પણ ટ્રિબ્યુનલના ચૂકાદાને માન્ય રાખ્યો અને અવતાર સિંઘને 3667 ડોલરની ફી ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.
આ અંગે માઇગ્રેશન એજન્ટ રણબીર સિંઘે જણાવ્યું હતું કે ઘણા લોકો ઓસ્ટ્રેલિયામાં વિવિધ પ્રકારના કારણો આગળ કરીને રહેતા હોય છે.
મારા ધ્યાનમાં એવા પણ કેટલાય કિસ્સા છે કે જેમાં લોકો 10, 12 કે 13 વર્ષ સુધી યોગ્ય વિસા વગર ઓસ્ટ્રેલિયામાં રહ્યા હોય. પરંતુ, તે ખોટું છે.
SBS News ના જણાવ્યા પ્રમાણે, 2016 – 17માં મલેશિયાના 10,000થી વધારે, ચીનના 6500, અમેરિકાના 5000 લોકો માન્ય વિસા વિના ઓસ્ટ્રેલિયામાં રહ્યા હતા.
કેટલાક લોકો ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટને પોતાના વિસા પૂરા થયા હોવાની જાણ કર્યા વગર ઓસ્ટ્રેલિયામાં રહેવાનું ચાલૂ જ રાખે છે અને ગેરકારદેસર બિન-ઓસ્ટ્રેલિયન નાગરિક બની જાય છે. જે લોકો નવા વિસા મેળવવા અરજી કરે છે તેઓ Bridging Visa E મેળવે છે.
ડિપાર્ટમેન્સ ઓફ હોમ અફેર્સના જણાવ્યા પ્રમાણે, છેલ્લા વર્ષે 28,000 લોકો Bridging Visa E હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહ્યા હતા.