અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની અટકાયતનો ભારતીય સરકારે વિરોધ નોંધાવ્યો છે અને વિદ્યાર્થીઓની મરજી વિરુદ્ધ તેમને સ્વદેશ પરત ન મોકલવા માટે વિનંતી કરી છે.
ભારતીય સમાચાર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, 30મી જાન્યુઆરીના રોજ અમેરિકન સરકારે ખોટી અને માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં એડમિશન લેવા બદલ 129 જેટલા ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે જણાવ્યું હતું કે વિસાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની જાણ બાદ યુનિવર્સિટીસનું સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તેઓ અમેરિકન અધિકારીઓના સંપર્કમાં છે અને અટકાયત કરેલા વિદ્યાર્થીઓને છોડી મૂકવા માટે અમેરિકાને વિનંતી કરી છે.
નિવેદનમાં જણાવ્યું હતું કે, અમને વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ તથા તેમના આરોગ્યની ચિંતા છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ સાથે ગુનો કરનારા લોકો કરતા અલગ પ્રકારનું વર્તન કરવામાં આવે તેવી અમેરિકાને વિનંતી છે.
અમેરિકાએ 30મી જાન્યુઆરીએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વિસા અંગેનો ગુનો આચરનારા આઠ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
"હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટીગેશન્સના સ્પેશ્યલ એજન્ટ્સે સમગ્ર દેશમાં અમેરિકન ઇમિગ્રેશનના કાયદાઓ વિરુદ્ધ કાર્ય કરતા લોકો સામે કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. આ ગુના હેઠળના શંકાસ્પદ લોકોએ સેંકડો વિદેશી મૂળના નાગરિકોને અમેરિકામાં રહેવા વિદ્યાર્થીઓ હોવાની ખોટી ઓળખ આપી હતી. જેમાંના મોટાભાગના લોકો વિદ્યાર્થીઓ નહોતા," તેમ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટીગેશન્સના સ્પેશ્યલ એજન્ટ સ્ટીવ ફ્રાન્સિસે જણાવ્યું હતું.
આ ઓપરેશન અંતર્ગત ડેટ્રોઇટમાં આવેલી યુનિવર્સિટી પર છેલ્લા બે વર્ષથી નજર રાખવામાં આવી રહી હતી.
આઠ શંકાસ્પદ વ્યક્તિઓએ વિદેશી વિદ્યાર્થીઓને ખોટી માર્કશિટ તથા ખોટા એડમિશન આપ્યા હતા. જેમાં કોઇ પણ શિક્ષકની નિમણૂક પણ થઇ નહોતી કે કોઇ ક્લાસ પણ યોજાતા નહોતા.
More stories on SBS Gujarati
ખાનગી કોલેજો દ્વારા છેતરાયેલા વિદ્યાર્થીઓના દેવા માફ