ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના તહેવાર દરમિયાન દરિયામાં સ્વિમીંગ કરતી વખતે ડૂબવાની વધુ ઘટનાઓ સામે આવી છે. જેમાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ક્રિસમસના તહેવાર દરમિયાન છેલ્લા બે દિવસમાં બનેલી ઘટનામાં પિતા - પુત્ર તથા એક વૃદ્ધનું મૃત્યુ થયું છે.
વિક્ટોરિયાના ફિલીપ આઇલેન્ડ ખાતે ક્રિસમસના અગાઉના દિવસે બનેલી ઘટનામાં મેલ્બોર્નના ક્રેનબર્ન ઇસ્ટ ખાતે રહેતા પરિવારના પિતા - પુત્રનું દરિયામાં ડૂબવાથી મૃત્યુ થયું હતું જ્યારે અન્ય પુત્ર બચવામાં સફળ રહ્યો હતો.ઘટના બની તે સમયે મહિલાએ પોતાના 20 વર્ષના પુત્ર તથા 45 વર્ષીય પતિને પોતાની નજર સામે ડૂબતા જોયા હતા જ્યારે તેમનો 11 વર્ષનો અન્ય પુત્ર તરીને દરિયાની બહાર આવી ગયો હતો. તેને તાત્કાલિક મોનાશ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
Source: ABC Australia
વિક્ટોરિયન પોલીસના જણાવ્યા પ્રમાણે, કોલોનેડ બિચ ખાતે સોમવારે સાજે 5.30 વાગ્યે બનેલી ઘટનામાં ત્રણ લોકો ડૂબી ગયા હતા, જેમાં એક યુવાન બચી ગયો હતો જ્યારે 45 વર્ષના વ્યક્તિને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તે બચી શક્યા નહોતા.
ઘટના બનતા જ વૂલામાઇ બિચ સર્ફલાઇફ સેવિંગ ક્લબના વિંગ અને વોલન્ટિયર લાઇફસેવર્સે 20 વર્ષીય યુવાનની શોધ શરૂ કરી દીધી હતી અને થોડી મિનિટો બાદ તેને શોધવામાં સફળતા મળી હતી પરંતુ તેને બચાવી શકાયો નહોતો.
વૂલામાઇ બિચ સર્ફલાઇફ સેવિંગ ક્લબે સોમવારે જ લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં દરિયામાં નહાવું જોખમી છે. તેમ છતાં લોકો તેમાં સ્વિમીંગ કરી રહ્યા હતા.
કેપ સ્હન્ચેક ખાતે બનેલી અન્ય એક ઘટનામાં 64 વર્ષીય ડાઇવરનું ડૂબવાના કારણે મૃત્યું થયું છે.
વિક્ટોરિયા પોલીસના જણાવ્યા પ્રમાણે, ક્રિસમસના દિવસે બનેલી ઘટનામાં એક ડાઇવરનું ડૂબી જતા મૃત્યું થયું છે.ભોગ બનનાર વ્યક્તિ તેના મિત્ર સાથે કેપ સ્હન્ચેક ખાતે મંગળવારે સાંજે ડાઇવિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તોફાની પાણીમાં તે ડૂબી ગયા હતા. ત્યાર બાદ તેમના શરીરને ઇમરજન્સી હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.
A swimmer takes to the water at Bronte Baths in Sydney Source: AAP
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ બિચ પર ડૂબવાની ઘટનાઓમાં વધારો થયો છે. લાઇફ સેવિંગ વિક્ટોરિયાના રીપોર્ટ અનુસાર વિક્ટોરિયામાં જ છેલ્લા એક વર્ષમાં 107 ઘટનાઓ બની હતી. જેમાં 40 જેટલી ઘટનાઓ ગંભીર હતી.
વેકેશન તથા ક્રિસમસના સમય દરમિયાન આ ઘટનાઓમાં વધારો થયો છે. 1 ડીસેમ્બર 2017થી 28 ફેબ્રુઆરી 2018 વચ્ચે વિક્ટોરીયામાં બનેલી ડૂબવાની ઘટનામાં 23 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.