ઓસ્ટ્રેલિયામાં વર્તમાન સમયમાં લગભગ 60 ટકા લોકો પાસે તેમના આરોગ્ય વિશેનું મર્યાદિત જ્ઞાન છે. એટલે કે, ડોક્ટર દ્વારા તેમના આરોગ્ય વિશે આપવામાં આવતી માહિતી તે પૂરી સમજતા નથી.
અંગ્રેજી ભાષા બોલાતી હોય તે સિવાયના દેશોમાંથી આવેલા માઇગ્રન્ટ્સમાં આરોગ્ય વિશેનું પૂરતું જ્ઞાન હોતું નથી. આ પ્રકારના દેશોમાંથી ઓસ્ટ્રેલિયા આવતા 75 ટકા જેટલા માઇગ્રન્ટ્સને તેમના આરોગ્ય વિશેની પૂરતી સમજ ન હોવાનું જાણવા મળ્યું છે.
આરોગ્ય વિશેષજ્ઞ ડાના મોઉવાડે જણાવ્યું હતું કે નવા દેશમાં સ્થાયી થવું અને તે દેશની ભાષા સમજવી થોડું અઘરું કાર્ય છે. તેમાં પણ આરોગ્યની સુવિધાઓ અને તેની પદ્ધતિ વિશે માહિતી મેળવવી થોડી વધુ ગેરસમજણ પેદા કરે છે.
આરોગ્યનું મર્યાદિત જ્ઞાન મુશ્કેલી ઉત્પન કરી શકે
આરોગ્ય વિશેનું મર્યાદિત જ્ઞાન અન્ય મુશ્કેલીઓ પણ પેદા કરી શકે છે. કોઇ એક બિમારીમાં ઉપયોગમાં લેવાતી દવા અન્ય બિમારીમાં લેવાઇ જાય અને ત્યાર બાદ હોસ્પિટલમાં દાખલ થવાનો સમય આવી શકે છે.
ન્યૂ સાઉથ વેલ્સ મલ્ટિકલ્ચરલ હેલ્થ કમ્યુનિકેશન સર્વિસ ડીરેક્ટર લિસા વૂડલેન્ડે જણાવ્યું હતું કે, તેઓ વિવિધ પોગ્રામ્સ દ્વારા નવા અને વિકસી રહેલા સમાજને જાગૃત કરી રહ્યા છે. જે સમાજના લોકો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા આવ્યા છે અથવા જેમની સંખ્યા મોટા પ્રમાણમાં ન હોય, તેવા માઇગ્રન્ટ્સને આરોગ્ય વિશેની જાણકારી આપવાનો ઉદ્દેશ્ય છે.
આરોગ્ય સાથેની સુવિધા સાથે સંકળાયેલા કાર્યકર અબુલ્લા આગવાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં નવા સ્થાયી થતા માઇગ્રન્ટ્સે આરોગ્ય વિશેની યોગ્ય સુવિધા અને સર્વિસ શોધવી થોડી મુશ્કેલ બની જાય છે. નવા માઇગ્રન્ટ્સે આ પ્રકારની સુવિધાઓ વિશેનું પૂરતું જ્ઞાન વિકસાવવું જરૂરી છે.
અબુલ્લા આગવા પશ્ચિમ સિડનીમાં માઉન્ટ ડ્રુઇટ એથનિક કમ્યુનિટીસ એસોસિયેશન ખાતે હેલ્થ સપોર્ટ ગ્રૂપ ચલાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં લોકો તેમની મુલાકાત લે છે અને આરોગ્ય વિશેના વિવિધ પ્રશ્નો પૂછે છે. કોઇ ચોક્કસ બિમારી માટે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે જ ઇલાજ કરાવવા અંગેની માહિતી પણ મેળવે છે.
જ્હોન વોલ હાલમાં આરોગ્ય વિશેની માહિતી આપતા એક ગ્રૂપની અઠવાડિયામાં એક વખત મુલાકાત લે છે. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ અત્યાર સુધીમાં ઘણી બધી માહિતી મેળવી લીધી છે. પરંતુ હજી પણ ઘણા માહિતી મેળવવાની બાકી છે.
હાલમાં 2થી 8મી સપ્ટેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં મલ્ટીકલ્ચરલ હેલ્થ વીક યોજાઇ રહ્યું છે.
જે અંતર્ગત માઇગ્રન્ટ્સને તેમની જ ભાષામાં આરોગ્ય વિશેની જાગૃતિ તથા માહિતી મળી રહે તે માટે 20 ભાષામાં નવી વીડિયો અને આરોગ્ય ફેક્ટ-શીટ રજૂ કરવામાં આવી છે.
વૂડલેન્ડે જણાવ્યું હતું કે જે સમાજ ઘણા વર્ષોથી અને મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા સ્થાયી થયો છે તેમને આરોગ્ય અંગેની માહિતી આસાનીથી મળી રહે છે પરંતુ, નવા માઇગ્રન્ટ્સને તેમની ભાષામાં આ પ્રકારના સ્ત્રોત ઉપલબ્ધ થતા નથી. તેથી, નવી માહિતી તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હોય તેવા માઇગ્રન્ટ્સ સમાજને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરવામાં આવી છે.