જો લેબર પાર્ટી આગામી ચૂંટણી જીતશે તો તેઓ ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં ભણાવાતી એશિયન ભાષાઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા ૩૨ મિલિયન ડોલરની રકમ ફાળવશે તેમ જણાવ્યું છે.
ધોરણ ૧૨ સુધી ફક્ત ૧૧ ટકા વિદ્યાર્થીઓ જ બીજી ભાષા ભણે છે. ૨૦૧૬માં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે એશિયન ભાષાઓ તેમાં ઘણો નાનો હિસ્સો ધરાવે છે.
આ યોજનાનું મુખ્ય આયોજન ધોરણ ૧૨માં ભાષાને લગતા વિષયોમાં સારું પરિણામ મેળવે તેવા ૧૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની શિષ્યવૃત્તિ આપવાનું છે.ABC રેડિયોને આપેલા એક ઇન્ટરવ્યુંમાં શિક્ષણ મંત્રી તાન્યા પ્લિબરસેકે જણાવ્યું હતું કે આપણી પાસે એશિયાની ભાષાઓ ભણાવી શકે તેવા ઘણા ઓછા શિક્ષકો છે. તે એક મોટો પ્રશ્ન છે. લેબર પાર્ટીના જણાવ્યા પ્રમાણે એશિયન ભાષાઓનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સ્થિર થઇ ગઇ છે અને ઘણી જગ્યાએ તો તે ઘટી રહી છે.
Asian boy in blue shirt with other pupils sitting in classroom. Source: Getty Images/JohnnyGreig
યોજના પ્રમાણે, આ ભાષાઓ શીખવા માટે ઓનલાઇન શિક્ષણ સ્ત્રોતો પણ બનાવવામાં આવશે. ભારતમાં સૌથી વધુ બોલાતી હિન્દી ભાષાનો પણ તેમાં સમાવેશ થાય છે. લેબરના જણાવ્યા પ્રમાણે, તેઓ આ યોજના અમલમાં આવ્યા બાદ કેટલા વિદ્યાર્થીઓએ એશિયન ભાષાઓ શીખવાનું શરૂ કર્યું છે તેની વિગતો આગામી વર્ષોમાં નોંધવામાં આવશે.
બીજી તરફ, એક વિગત પ્રમાણે વિશ્વમાં ૭000 ભાષાઓ વપરાય છે પરંતુ તેમાંથી ત્રીજા ભાગની ભાષાઓ ૧000થી પણ ઓછા લોકો બોલે છે. આ પ્રકારની ભાષાઓમાંથી ૪0 ટકા ભાષાઓ જોખમમાં છે.એક સંશોધન પ્રમાણે, દરેક પખવાડિયે કોઇ એક ભાષા "લુપ્ત" થઇ રહી છે.
School girl with hand up answering question and teacher gesturing towards her. Source: Getty Images/JohnnyGreig
તેનું એક મુખ્ય કારણ એ છે કે સમાજમાં એક ભાષાને બદલે અન્ય કોઇ ભાષાનો ઉપયોગ વધુ થવા લાગે છે અને માતા - પિતા પોતાના બાળકોને મૂળ ભાષા બોલવા માટે પ્રેરિત કરતા નથી.
સોવિયત યુનિયનમાં બાળકો ઘરમાં બોલાતી ભાષાઓનો વપરાશ ઓછો કરીને રશિયન ભાષા પર વધારે ધ્યાન આપે છે કારણ કે તેમને એમ લાગે છે કે રશિયન બોલવાથી ભવિષ્યમાં તેમને ફાયદો થશે. ચાઇનામાં પણ મેન્ડરીન માટે આ પ્રકારની જ માન્યતા પ્રવર્તી રહી છે.તો ભારતમાં પણ ઘણા ઘરોમાં અંગ્રેજી શીખવવાની દોડમાં માતૃભાષા પાછળ રહી ગઈ છે.
જો ક્યારે કોઇ ભાષા લુપ્ત થઇ જાય છે તો તેને પરત લાવવી ઘણી અઘરી બની જાય છે.