ઓસ્ટ્રેલિયામાં લગભગ બે મિલિયન જેટલા અસ્થાયી લોકો વસવાટ કરી રહ્યા છે. હાલમાં ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર અને વેતનનું ધોરણ સ્થિર થતાં માઇગ્રન્ટ્સનું મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા સ્થળાંતર એક રાજકીય મુદ્દો બની ગયો છે. પરંતુ, ઓસ્ટ્રેલિયામાં કાર્યરત કંપનીઓ પર કરવામાં આવેલા રીસર્ચ પ્રમાણે માઇગ્રન્ટ્સ સમાજના ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાના કારણે અહીંના સ્થાનિક ઓસ્ટ્રેલિયન્સની નોકરી અને વેતન પર કોઇ જોખમ નથી.
નોકરી માટે યોગ્ય ઉમેદવાર ન મળવા
ઓસ્ટ્રેલિયાની મેજીસ્ટીક કમ્પ્યુટર ટેક્નોલોજી કંપનીએ તાજેતરમાં કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયરની નોકરી માટે જાહેરાત કરી હતી. પરંતુ તેમને અહીંના સ્થાનિક અરજીકર્તામાં નોકરી માટે જરૂરી લાયકાત ન હોવાના કારણે મેરિયસ પરેરાની ભરતી કરવી પડી હતી.
મેરિયન પરેરા સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ વિસા હેઠળ ઓસ્ટ્રેલિયા આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોના મત પ્રમાણે માઇગ્રન્ટ્સ તેમની નોકરી છીનવી લે છે. જે ખોટું છે. અહીં આવતા માઇગ્રન્ટ્સ યોગ્ય તક મળે છે તેનો લાભ લે છે.કંપનીના સીઇઓ તાલ ઇવાન્સે જણાવ્યું હતું કે, ઘણી વખત એમ બને છે કે નોકરી માટેની જાહેરાત આપ્યા બાદ પણ સ્થાનિક માર્કેટમાંથી યોગ્ય ઉમેદવાર મળતા નથી અને ત્યાર બાદ સ્કીલ્ડ માઇગ્રન્ટ્સની ભરતી કરવી પડે છે.
Temporary skilled migrants have not displaced Australian workers despite fears immigrants threaten the local job market, new analysis found. (AAP) Source: AAP
ઓસ્ટ્રેલિયાના કાયમી સ્થળાંતરની સંખ્યા ઘટાડાશે
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ગયા વર્ષે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાયમી સ્થળાંતરની સંખ્યા ઘટાડાશે.
તેમણે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના શહેરોમાં ભીડ વધી રહી છે અને માળખાગત સુવિધાનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી દેશમાં વધી રહેલી વસ્તીને અંકુશમાં રાખવી જરૂરી બની છે.
ઓસ્ટ્રેલિયામાં મે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં પણ ઇમિગ્રેશન એક મુદ્દો બન્યો હતો.
જોકે, કમિટી ફોર ઇકોનોમિક ડેવલોપમેન્ટ ઓફ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે, કાયમી અને અસ્થાયી માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયાના સ્થાનિક લોકોની નોકરી પર ખતરો પેદા કરે છે તે ખરેખર ખોટું છે.
Image
માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા માટે લાભદાયી
સંસ્થાના સીઇઓ મેલિન્ડા સીલેન્ટોએ જણાવ્યું હતું કે કાર્યકારી સ્કીલ્ડ માઇગ્રન્ટ્સના ઓસ્ટ્રેલિયા આવવાના કારણે દેશની બે મહત્વની જરૂરિયાતો સંતોષાઇ રહી છે.
પ્રથમ, ઓસ્ટ્રેલિયાના વિવિધ ઉદ્યોગોમાં કારીગરોની પડી રહેલી અછત માઇગ્રન્ટ્સના આવવાના કારણે સંતોષાઇ રહી છે અને આ ઉપરાંત તેઓ અર્થતંત્રમાં પણ ફાળો આપી રહ્યા છે.
સીલેન્ટોએ ઉમેર્યું હતું કે છેલ્લા બે દશકમાં ઓસ્ટ્રેલિયામાં થયેલા માઇગ્રેશનના કારણે દેશના સ્થાનિક લોકો, તેમની નોકરી અને વેતન પર કોઇ અસર થઇ નથી. અસ્થાયી માઇગ્રન્ટ્સની પાસે નોકરી માટે અનૂકુળ યોગ્ય લાયકાત, કુશળતા અને જ્ઞાન હોવાના કારણે તેઓ ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.
માઇગ્રન્ટ્સથી દેશ પર નકારાત્મક અસર નહીં
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ક્રોફોર્ડ સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીના પ્રોફેસર રોબર્ટ બ્રેયુનિંગે જણાવ્યું હતું કે તેને ઇમિગ્રેશનના કારણે ઓસ્ટ્રેલિયન બજારમાં કોઇ નકારાત્મક અસર જોવા મળી હોય તેમ લાગતું નથી.
ધ ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી લિયામ ઓ’બ્રાયને જણાવ્યું હતું કે કેટલીક ઓસ્ટ્રેલિયન કંપનીઓ અસ્થાયી માઇગ્રન્ટ્સને અહીં બોલાવીને તેમનું શોષણ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે કેટલીક વખત એમ બને છે કે કંપની અન્ય દેશોમાંથી સ્કીલ વગરનું કાર્ય કરવા માટે કારીગરોને બોલાવે છે. તેના કારણે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક કારીગરોને નોકરી મળતી નથી અને દેશનો બેકારી દર વધે છે જ્યારે માઇગ્રન્ટ વર્કર્સનું પણ અહીં શોષણ કરવામાં આવે છે.
કારીગરની જરૂરિયાત પ્રમાણે સુધારા જરૂરી
લિયામ ઓ’બ્રાયને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની કેટલીક કંપની ફેસબુક જેવા સોશિયલ માધ્યમો પર નોકરીની જાહેરાત કરે છે અને ત્યાર બાદ કારીગરને ઓસ્ટ્રેલિયા બોલાવે છે તે પદ્ધતિમાં સુધારો જરૂરી છે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાનું સ્કીલ ઓક્યુપેશન લિસ્ટ પણ સમયાંતરે સુધરે તે જરૂરી છે. તેનાથી કારીગરોની અછતનો ખ્યાલ આવી શકે છે.