ઓસ્ટ્રેલિયામાં સૌથી ઓછી આવક ધરાવતા કામદારો હવે દર અઠવાડિયે 21.60 ડોલર વધુ મેળવશે. જોકે, આ રકમ ગયા વર્ષની સરખામણીમાં ઓછી છે પરંતુ વ્યવસાયિકોની માંગની સરખામણીમાં તે ઘણી વધુ છે.
ફેર વર્ક કમિશને ગુરુવારે લઘુત્તમ વેતનમાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરતા, હવે અઠવાડિયામાં ઓછામાં ઓછા 740.80 ડોલરનું વેતન મળશે.
યુનિયન ગ્રૂપ દ્વારા 6 ટકાનો વધારો એટલે કે અઠવાડિયાના 43 ડોલરના વધારાની માંગ કરાઇ હતી. જ્યારે, બિઝનેસ - વ્યવસાય સમૂહોએ 2 ટકાના દરથી જ લઘુત્તમ વેતન વધે તેવી માંગ કરી હતી.કમિશનના પ્રમુખ જસ્ટિસ ઇયાન રોસે જણાવ્યું હતું કે, લઘુત્તમ વેતનમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમે ઓછો વધારો કર્યો છે. અમને સંતોષ છે કે જે વધારો કરવામાં આવ્યો છે તેનાથી અર્થતંત્ર પર ફૂગાવાની અસર અથવા બેરોજગારી પર કોઇ નકારાત્મક અસર પડશે નહીં.
The commission's decision directly affects 2.2 million workers. Source: AAP
જોકે, લઘુત્તમ વેતનમાં વધારો થતાં લોકોના જીવનધોરણમાં સુધારો આવશે તેવી આશા છે, તેમ પ્રમુખ રોસે ઉમેર્યું હતું.
કમિશનના આ નિર્ણયથી લઘુત્તમ વેતન મેળવતા 2.2 મિલિયન કામદારોને ફાયદો થશે.
વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં લઘુત્તમ વેતનનું સ્તર પ્રતિ અઠવાડિયે 719.20 ડોલર છે. ગયા વર્ષે કમિશને 3.5 ટકાના દરથી અઠવાડિયે 24.30 ડોલરનો વધારો કર્યો હતો.