આગામી વર્ષથી વિક્ટોરિયન સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. શિક્ષણમંત્રી જેન્સ મેર્લિનોએ આ અંગે જણાવ્યું હતું કે, આવતા વર્ષથી વિક્ટોરિયાની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓએ તેમના મોબાઇલ ફોન લોકરમાં મૂકીને જ ક્લાસમાં અભ્યાસ કરવો પડશે.
મોબાઇલ ફોન લોકરમાં જ મૂકીને જવાથી વિદ્યાર્થીઓ ક્લાસમાં અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકશે, જે તેમના પર સકારાત્મક અસર પેદા કરશે. આ ઉપરાંત, શિક્ષકો પણ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ભણાવી શકશે.
છેલ્લા કેટલાક સમયમાં ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીઓ પર શાબ્દિક ટીપ્પણી કરવાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. મોબાઇલ ફોનના પ્રતિબંધના કારણે તેના પ્રમાણમાં ઘટાડો નોંધાશે તેવી શક્યતા છે.
ઇમરજન્સીના સમયમાં સ્કૂલમાં ફોન કરી શકાય
વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ મુકવાના કારણે જો વિદ્યાર્થીઓને માતા-પિતાએ તેમનો સંપર્ક કરવો હશે તો તેઓ સ્કૂલના નંબર પર ફોન કરી શકે છે.
શારીરિક જરૂરિયાત અથવા શિક્ષક દ્વારા ક્લાસરૂમમાં કોઇ વિશેષ પ્રવૃત્તિ કરાવવાની હશે તેવા સંજોગોમાં જ વિદ્યાર્થી ક્લાસરૂમમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરી શકશે.
શાળામાં વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન પરનો પ્રતિબંધ 2020ના પ્રથમ સત્રથી લાગૂ પડશે.
મેકકિનન સેકન્ડરી કોલેજે તેમના વિદ્યાર્થીઓના મોબાઇલ લાવવા પર પ્રતિબંધ મૂક્યા બાદ સમગ્ર વિક્ટોરિયામાં આ નિયમ લાગૂ પડશે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2018માં વિક્ટોરિયામાં યોજાયેલી ચૂંટણી અગાઉ લિબરલ પાર્ટીએ સ્કૂલમાં મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.