આગામી 1લી જુલાઇ એટલે કે નવા નાણાંકિય વર્ષથી 20થી ઓછો સ્ટાફ ધરાવતા નાના ઉદ્યોગોએ ટેક્સ ઓફિસ સાથે થતાં પોતાના વ્યવહારમાં થોડો ફેરફાર કરવો પડશે.
ઓસ્ટ્રેલિયન ટેક્ષેશન ઓફિસના જણાવ્યા પ્રમાણે, જીએસટી આવ્યા બાદનો આ સૌથી મોટો સુધારો છે. જે કેટલાક નાના વેપાર – ઉદ્યોગને અસર કરશે.
નવા ફેરફાર પ્રમાણે, 20થી ઓછો સ્ટાફ ધરાવતા નાના કે લધુ ઉદ્યોગો – વેપારે હવે તેમના સ્ટાફના પગાર સંબંધિત તમામ માહિતી ઓનલાઇન પે-રોલ સિસ્ટમ સિંગલ ટચ પે-રોલ (Single Touch Payroll) થી કરવી પડશે.
ઓસ્ટ્રેલિયન ટેક્ષેશન ઓફિસના જણાવ્યા પ્રમાણે, જીએસટી લાગૂ થયાં બાદ અત્યાર સુધીનો આ સૌથી મોટો ફેરફાર છે. અંગ્રેજી ભાષાનું મર્યાદિત જ્ઞાન ધરાવતા માઇગ્રન્ટ્સને નવી સિસ્ટમ સમજતા થોડી તકલીફ પડી શકે તેમ છે.
Image
નાના વેપાર હજી તૈયાર નથી
આગામી 1લી જુલાઇથી આવી રહેલા ફેરફાર સ્વીકારવા માટે હજી નાના વેપાર – બિઝનેસ તૈયાર નથી. રેસ્ટોરન્ટના માલિક નિકોલેએ જણાવ્યું હતું કે 1લી જુલાઇથી અમલમાં આવી રહેલી નવી પે-રોલ સિસ્ટમ માટે તેઓ તૈયાર નથી. નવી સિસ્ટમ થોડી મૂંઝવણભરી છે. જેના કારણે અમે તેને સ્વીકારવા તૈયાર નથી.
ટેક્સ ઓફિસના આસિસ્ટન્ટ કમિશ્નર જ્હોન શેફર્ડે જણાવ્યું હતું કે સિંગલ ટચ પે-રોલ સિસ્ટમ અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર છે અને તે કારીગરોને અપાતા પગાર, મહેનતાણાંનો રેકોર્ડ રાખવાની સમગ્ર પદ્ધતિ બદલી નાંખશે.
નવી પદ્ધતિના ફાયદા
ઓસ્ટ્રેલિયન સ્મોલ બિઝનેસ એન્ડ ફેમિલી એન્ટરપ્રાઇઝ ઓમબુડ્સમેનના કેટ કાર્નેલે જણાવ્યું હતું કે નવા નાણાંકિય વર્ષમાં કેટલાક લોકોને પે-રોલની નવી પદ્ધતિની અસર થશે.
સિંગલ ટચ પે-રોલ સિસ્ટમ હવે કાયદો બની ગયી છે. તેના કેટલાક ફાયદા પણ છે. બિઝનેસ તેમના સ્ટાફને આપતા પગાર – મહેનતાણાં તથા સુપરએન્યુએશનના તમામ દસ્તાવેજો તેમાં સાચવી શકે છે.
જોકે, લગભગ 50 ટકા જેટલા નાના વેપાર ઉદ્યોગોને ખબર નથી કે આગામી 1લી જુલાઇથી આ પ્રકારના ફેરફાર આવી રહ્યા છે.
ATO માર્ગદર્શન આપશે
ઓસ્ટ્રેલિયન ટેક્ષેશન ઓફિસ નવા નાણાંકિય વર્ષથી આવી રહેલા ફેરફારો સમજવા તથા તેનો અમલ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેવા નાના ઉદ્યોગો – વેપારને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.
જ્હોન શેફર્ડે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વસતો બહુસાંસ્કૃતિક સમુદાય લઘુ – ઉદ્યોગો સાથે સંકળાયેલો છે અને તેમની પ્રથમ ભાષા અંગ્રેજી હોતી નથી. અમે તેમને તેમની પ્રાદેશિક ભાષામાં જ માર્ગદર્શન મળી રહે તે માટે ભાષાંતરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાના છીએ. જેથી માઇગ્રન્ટ્સ લોકોને નવી પદ્ધતિ સમજવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
Source: AAP
રીજનલ વિસ્તારના ઉદ્યોગો મુદત માંગી શકે છે
ઓસ્ટ્રેલિયાના રીજનલ વિસ્તારમાં રહેલા ઉદ્યોગો કે જ્યાં ઇન્ટરનેટનો પ્રશ્ન હોય તેઓ નવી પદ્ધતિનો અમલ કરવા માટે થોડો વધુ સમય માગી શકે છે. અને આ ઉપરાંત, સિંગલ ટચ પે-રોલ સોફ્ટવેર ઓસ્ટ્રેલિયન ટેક્ષેશન ઓફિસનની વેબસાઇટ પરથી મફતમાં મળી શકે છે.
ઓસ્ટ્રેલિયામાં રહેલા બે મિલિયન નાના ઉદ્યોગોમાંથી હાલમાં લગભગ 66 ટકા ઉદ્યોગોમાં ફક્ત એક જ વ્યક્તિ કાર્ય કરે છે અને લગભગ 25 ટકા ઉદ્યોગોમાં વધુમાં વધુ ચાર વ્યક્તિઓ કાર્ય કરે છે.
ઉદ્યોગો છેતરપીંડી નહીં કરી શકે
નવી સિંગલ ટચ પે-રોલ સિસ્ટમ લાગૂ થવાથી નાના – લધુ ઉદ્યોગો છેતરપીંડી કરી શકશે નહીં. તેમાં સુપરએન્યુએશન તથા કારીગરોને ચૂકવવામાં આવતા તમામ પ્રકારના પગારની માહિતી ઓસ્ટ્રેલિયન ટેક્ષેશન ઓફિસને મળી શકશે.
જે વેપારમાં અત્યારે 20થી વધારે સ્ટાફ કાર્યરત છે તે ધંધામાં સિંગલ ટચ પે-રોલ પદ્ધતિ ગયા વર્ષે જ લાગૂ કરી દેવામાં આવી હતી. તેથી જ, આ વર્ષે ટેક્સ ભરતી વખતે 9 મિલિયન જેટલા કર્મચારીઓને તેમને ચૂકવવામાં આવેલા પગારની યાદી મળશે નહીં. તેઓ MyGov પર તે માહિતી જોઇ શકશે.