ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય સરકાર તેના વાર્ષિક માઇગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરે તેવી શક્યતા છે.
ધ ઓસ્ટ્રેલિયનના રીપોર્ટ પ્રમાણે, કેબિનેટે માઇગ્રેશન અંતર્ગત જરૂરી સુધારા મંજૂર કર્યા છે અને હવે દેશની વાર્ષિક માઇગ્રેશનની સંખ્યામાં 30 હજારનો ઘટાડો થઇ શકે છે.
અગાઉ ઓસ્ટ્રેલિયાની વાર્ષિક માઇગ્રેશનની સંખ્યા 190,000 જેટલી હતી પરંતુ હવે તેમાં 30 હજાર જેટલો ઘટાડો કરીને તેને 160,000 જેટલી કરાશે. માનવામાં આવી રહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલા બાદ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને આ અંગેની જાહેરાત મોકુફ રાખી હતી.
મંગળવારે એડિલેડમાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે વધતી વસ્તીને કાબુમાં લેવાનો પડકાર રહેલો છે પરંતુ તેને આતંકવાદી હુમલા સાથે કોઇ સંબંધ નથી.
ઘણી વખત જોવા મળ્યું છે કે વસ્તી વધારા જેવા મુદ્દાઓની ચર્ચા બાજુએ મૂકીને તેના સ્થાને અન્ય વિવાદ ઉભો કરવામાં આવે છે. જોકે , વસ્તી વધારો ગંભીર મુદ્દો છે અને હું તેમાં કોઇ બીજા મુદ્દાને સ્થાન આપતો નથી.
પ્રધાનમંત્રી મોરિસને વધુમાં ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના લોકો મેલ્બર્ન જેવા શહેરમાં વધતા ટ્રાફિક જામ તથા જીવનની ગુણવત્તાની ચિંતા કરે છે એનો મતલબ એમ નથી કે તેઓ માઇગ્રેશન કરતા લોકોનો વિરોધ કરે છે કે તેઓ જાતીવાદને પ્રોત્સાહન આપે છે.
જોકે, નવા પ્લાન અંતર્ગત સ્કીલ માઇગ્રન્ટ્સ લોકોને સિડની તથા મેલ્બર્નની બહાર સ્થાયી થવા ફરજ પડાશે. રીજનલ સેટલમેન્ટ પોલિસી અંતર્ગત માઇગ્રન્ટ્સે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સિડની અને મેલ્બર્નની બહાર રહેવું પડશે.
આ ઉપરાંત, મેલ્બર્ન અને સિડની સિવાયના શહેરોની યુનિવર્સિટીમાં અભ્યાસ પસંદ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સરકાર કેટલાક પ્રોત્સાહનો આપે તેવી શક્યતા છે.