કમ્યુનિટી લેંગ્વેજ મલ્ટિકલ્ચરલ ગ્રાન્ટ્સ પ્રોગ્રામ અંતર્ગત ઓસ્ટ્રેલિયન સરકાર કમ્યુનિટી સ્કૂલ્સને ૧0 મિલિયન ડોલર સુધીની મદદ કરશે.
પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને આ અંગે વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે ગ્રાન્ટ પ્રોગ્રામ દ્વારા ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજને અન્ય ભાષા સાથે જોડાવવા ઉપરાંત યુવા ઓસ્ટ્રેલિયનોને પણ તેમના પૂર્વજોની માતૃભાષા શીખવાની તક મળી રહેશે.
ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા મિનિસ્ટર ફોર ઇમિગ્રેશન, સિટીઝનશિપ એન્ડ મલ્ટિકલ્ચરલ અફેર્સ, ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વર્તમાન સમયમાં ૧000 જેટલી કમ્યુનિટી લેંગ્વેજ સ્કૂલ આવેલી છે. જેમાં ૧ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને વિશ્વની ૬૯ જેટલી ભાષાઓ શીખવાય છે.
કોલમેને ઉમેર્યું હતું કે ૨૫ ટકા યુવા ઓસ્ટ્રેલિયન્સ ઘરમાં અંગ્રેજી સિવાયની અન્ય ભાષાનો ઉપયોગ કરે છે. બીજી ભાષાનો ઉપયોગ કરવાથી તેઓ પોતાના સમાજમાં હળીમળી શકે છે.
આ ગ્રાન્ટ દ્વારા વધુમાં વધુ બાળકો બીજી ભાષા શીખવા માટે પ્રેરિત થશે જે ભવિષ્યમાં તેમને સકારાત્મક પરિણામ આપશે.
Image
લેબર પાર્ટીએ ૮ મિલિયન ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી હતી
તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીએ દેશની ૭00 કમ્યુનિટી લેંગ્વેજ સ્કૂલ્સ માટે ૮ મિલિયન ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી હતી.
નવા પ્લાન અંતર્ગત, નોટ-ફોર પ્રોફીટ લેંગ્વેજ સ્કૂલ્સને શાળાની સુવિધાઓ, શિક્ષકોની ટ્રેનિંગ, સ્ટેશનરી જેવા અન્ય ખર્ચા માટે ૨૫ હજાર ડોલર સુધીની મદદની જાહેરાત કરી હતી.
આ અંગે વાત કરતાં શેડો એજ્યુકેશન મિનિસ્ટર તાન્યા પ્લિબરસેકે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા બહુસાંસ્કૃતિક દેશ છે અને તમામ સમાજને વિકાસ કરવાનો હક છે.
અંગ્રેજી ઉપરાંત પોતાની માતૃભાષા શીખનારા બાળકોને ભવિષ્યમાં સકારાત્મક પરિણામ મળી રહેશે, તેમ તાન્યાએ ઉમેર્યું હતું.