ઓસ્ટ્રેલિયા આવનારા મુસાફર જો હવે તેમની પાસે રહેલા વધુ જોખમી હોય એવા ખાદ્યપદાર્થો કે વનસ્પતિ સહિતના બાયોસિક્ટોરિટી માલસામાન જાહેર નહીં કરે તો તેમને ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.
ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા નિયમ પ્રમાણે અધિકારીઓને મુસાફરના વિસા પણ રદ કરવાનો અધિકાર આપવામાં આવશે.
1લી જાન્યુઆરીથી નિયમ અમલમાં આવશે
ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા પ્રમાણે, નવો નિયમ 1લી જાન્યુઆરી 2021થી અમલમાં આવશે. ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ અથવા સી પોર્ટ્સ પર ઊતરાણ કરતા મુસાફર પાસેથી ઓસ્ટ્રેલિયાના પર્યાવરણને નુકસાન કરી શકે તેવી વધુ જોખમી ચીજવસ્તુ જોવા મળશે તો બાયોસિક્ટોરિટી ઓફિસર નિયમભંગ બદલ 2664 ડોલર સુધીનો દંડ ફટકારી શકે છે.
આ અંગે કૃષિમંત્રી ડેવિડ લીટલપ્રાઉડે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની બાયોસિક્ટોરિટી પ્રણાલી અંતર્ગત દેશનું પર્યાવરણ અને રહેવાસીઓનું સ્વાસ્થ્ય જળવાય તે અમારી પ્રાથમિકતા છે.
ઓસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદન કરતો દેશ છે અને એટલે જ અહીંની વનસ્પતિમાં કોઇ પણ પ્રકારનો રોગ કે કીટકો પેદા ન થાય તેની તકેદારી રાખવી અમારી પ્રાથમિકતા છે.

Source: AAP
વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયા આવનારા મુસાફર જો તેમની પાસે રહેલી જોખમી ચીજવસ્તુઓ જાહેર ન કરે તો તેમને 2 પેનલ્ટી પોઇન્ટ્સ (444 ડોલર) નો દંડ ફટકારવામાં આવે છે.
પરંતુ, નવા કાયદા પ્રમાણે, હવે બાયોસિક્ટોરિટી ડાયરેક્ટર કઇ ચીજવસ્તુ ઓસ્ટ્રેલિયાની બાયોસિક્ટોરિટી માટે વધુ જોખમી છે તે નક્કી કરશે અને તે પ્રમાણે વધુ જંગી દંડ ફટકારશે.
1લી જાન્યુઆરી 2021થી, જો કોઇ ચીજવસ્તુ ઓસ્ટ્રેલિયન પર્યાવરણ અને તેના રહેવાસીઓ માટે જોખમી હોવાનું સાબિત થશે તો બાયોસિક્ટોરિટી ડાયરેક્ટર 12 પેનલ્ટી યુનિટ્સ (2664 ડોલર) સુધીનો દંડ આપી શકે છે.
વિસા પણ રદ થઇ શકે
આ નિયમ અંતર્ગત ઓસ્ટ્રેલિયા ઊતરાણ કરતા વિદ્યાર્થી અને ટેમ્પરરી વિસાધારકો જો તેમની પાસે રહેલી જોખમી ચીજવસ્તુઓ જાહેર કરવામાં નિષ્ફળ રહેશે તો તેમની વિસા પણ રદ થઇ શકે છે. હાલમાં આ નિયમ ફક્ત વિઝીટર વિસાધારકોને જ લાગૂ પડે છે.
એક્ટીંગ ઇમિગ્રેશન, સિટીઝનશિપ મિનિસ્ટર એલન ટજે આ અંગે જણાવ્યું હતું કે અતિગંભીર અથવા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા ગુના માટે જ આ અધિકારનો ઉપયોગ કરવામાં આવશે.

Acting Federal Minister for Immigration Alan Tudge. Source: AAP
વિસા રદ કરવાનો નિર્ણય લેવો સરળ નથી પરંતુ બાયોસિક્ટોરિટીના નિયમોના ભંગથી ઓસ્ટ્રેલિયન લોકો અને પર્યાવરણ પર અસર થઇ શકે છે. ઓસ્ટ્રેલિયા આવનારા તમામ મુલાકાતીઓએ તે બાબતનું ધ્યાન રાખવું જોઇએ.
અસમંજસ હોય તો જાહેર કરો
ભારત અથવા અન્ય દેશોથી ઓસ્ટ્રેલિયા આવનારા મુલાકાતીઓ તેમની સાથે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ઓસ્ટ્રેલિયા લાવતા હોય છે. અને જે-તે ચીજવસ્તુઓને ઓસ્ટ્રેલિયા લઇ જવાની પરવાનગી હોય છે તે માનીને તેઓ એરપોર્ટ પર તે જાહેર કરતા નથી.
પરંતુ ઓસ્ટ્રેલિયન સરકારના જણાવ્યા પ્રમાણે, જો કોઇ પણ મુલાકાતીને તેમની પાસે રહેલી ચીજવસ્તુ વિશે અસમંજસ હોય તો તેમણે તેની જાહેરાત કરવી જરૂરી છે.
ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ્સ, સી પોર્ટ પર ઊતરાણ કરતી વખતે મુસાફરે તેની પાસે રહેલા ખાદ્યપદાર્થ, વનસ્પતિ, બીજ, બિયારણ જેવી ચીજવસ્તુઓ પેસેન્જર કાર્ડમાં જાહેર કરવાની હોય છે. અથવા જાતે જ એરપોર્ટ્ પર રહેલી કચરાપેટીમાં તે ચીજવસ્તુનો નિકાલ કરી શકે છે.
પરંતુ જો, તેણે જાતે જ તે ચીજવસ્તુનો નિકાલ નહીં કર્યો હોય અથવા પેસેન્જર કાર્ડમાં તેનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો તેની સામે પગલાં લેવાઇ શકે છે અને જંગી દંડ ફટકારવામાં આવશે અથવા તેમના વિસા રદ કરીને વતન પરત મોકલી દેવામાં આવશે.
ટેમ્પરરી વિસા રદ કરવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયાના વેપાર – ઉદ્યોગો, કૃષિને થનારી અસરના અધ્યયન તથા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા મુસાફરી કરતા અગાઉ સાથે લાવી શકાતી ચીજવસ્તુઓ તથા અન્ય જરૂરી બાબતો વિશે પરથી માહિતી મેળવી શકાશે.