ઓસ્ટ્રેલિયાના સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં સ્કીલ વર્કર્સ એટલે કે કુશળ કારીગરોની અછત ઉભી થઇ છે તેથી સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર સ્ટીવન માર્શલે પ્રધાનમંત્રીને દેશની માઇગ્રેશન પોલિસીમાં થોડા સુધારા કરવા માટે અપીલ કરી છે.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં આવેલી સ્માર્ટ ફેબ્રીકેશન કંપની સહિતની અનેક કંપનીઓ કુશળ કારીગરોની અછતનો સામનો કરી રહી છે. તેના ડાયરેક્ટર સાઇમન કેનેડીએ જણાવ્યું હતું કે, “અમને કંપનીમાં કામ કરી શકે તેવા કુશળ કારીગરો જોઇએ છે અને આ અંગેની જાહેરાત પણ આપીએ છીએ. તેમ છતાં કુશળ કારીગરો મળતા નથી.”
“અમારે કંપનીમાં આ અછત પૂરી કરી શકે તેવા સ્કીલ માઇગ્રન્ટ્સની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઇ છે.”
બીજી તરફ, ફિલીપીન્સથી આવેલા જ્હોન લાન્ડાલોસના જણાવ્યા પ્રમાણે, તે અહીંની કંપનીમાં કામ કરીને યોગ્ય અનુભવ મેળવી રહ્યો છે તથા તેની સ્કીલ પણ નીખરી રહી છે. તેનું માનવું છે કે સ્કીલ માઇગ્રન્ટ્સ માટે અહીં યોગ્ય તકો છે.
કુશળ કારીગરોની અછત ઉભી થયા બાદ સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર, સ્ટીવન માર્શલે જણાવ્યું હતું કે, તે પ્રધાનમંત્રીને ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારોને ધ્યાનમાં રાખીને માઇગ્રેશન અંગેની નીતિઓ ઘડવાની વિનંતી કરી રહ્યા છે.
માર્શલે વધુમાં જણાવ્યું હતું કે, “સાઉથ ઓસ્ટ્રેલિયા ઉપરાંત તાસ્માનિયા તથા નોધર્ન ટેરીટરી જેવા રાજ્યોની મેલ્બર્ન તથા સિડની જેવા શહેરોની સરખામણીમાં અલગ જરૂરિયાત છે.”
“અમે DAMA જેવા એગ્રીમેન્ટ્સ બનાવવાની અપીલ કરી રહ્યા છીએ જેથી અમારા વિસ્તારોમાં કુશળ કારીગરોની આપૂર્તિ થઇ શકે.”
સાઉથ ઓસ્ટ્રેલિયાની ચેમ્બર ઓફ કોમર્સ, બિઝનેસ સાઉથ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્સીક્યુટીવ મેકબ્રાઇડના જણાવ્યા પ્રમાણે, “સાઉથ ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વ્યવસાયો કુશળ કારીગરોની માંગ કરી રહ્યા છે.”
મેકબ્રાઇડે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્તરની પોલીસી સિડની અને મેલ્બર્નને જ ધ્યાનમાં રાખીને બનાવાઇ છે. તેમાં ઓસ્ટ્રેલિયાના અંતરિયાળ વિસ્તારોમાં ઉભી થઇ રહેલી અછતને ધ્યાનમાં લેવામાં આવી જ નથી.
સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્શલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા તથા સ્થાનિક લોકો રાજ્યમાં જ રહે તથા કામ કરી શકે તે માટે વિવિધ પ્રોત્સાહનો અમલમાં મૂકવા અંગે વિચારી રહ્યા છે.