નવા વર્ષના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રશંસકોને ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રીષભ પંત તથા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પૈનેની પત્ની તથા તેના બાળકો સાથેનો ફોટો જોવા મળ્યો હતો. આ ફોટો પૈનેની પત્ની બોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂક્યો હતો અને થોડી જ વારમાં આ ફોટો ઇન્ટરનેટ પર છવાઇ ગયો હતો.
રીષભ પંત તથા પૈનેની પત્નીની મુલાકાત ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનના સિડની ખાતેના નિવાસસ્થાને થઇ હતી. જ્યાં પ્રધાનમંત્રીએ 3જી જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ટેસ્ટ મેચ અગાઉ બંને ટીમના ખેલાડીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી.
રીષભ પંતનો પૈનેની પત્ની - બાળકો સાથેનો ફોટો કેમ છવાયો?
રીષભ પંત તથા ટીમ પૈને વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થઇ ત્યારથી જ શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. મેલ્બોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ પૈનેએ પંતને સલાહ આપી હતી કે વન-ડે શ્રેણી માટે મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમમાં પરત ફરી રહ્યો છે એટલે પંત પાસે બિગ બેશ લીગમાં હોબાર્ટ હરિકેન્સ ટીમમાં જોડાવવાની તક રહેલી છે.
ત્યાર બાદ પૈનેએ પંતને હોબાર્ટમાં એક શાનદાર એપાર્ટમેન્ટમાં રહેવા તથા પોતાના બાળકોના બેબીસીટર બનવા માટેનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
પૈનેએ જણાવ્યું હતું કે ,"ધોની વન-ડે ટીમમાં પરત આવી રહ્યો છે. તેથી તારી પાસે હોબાર્ટ હરિકેન્સ ટીમમાં જોડાવવાની તક રહેલી છે."
"હોબાર્ટ એક શાનદાર જગ્યા છે. ત્યાં તને એક શાનદાર એપાર્ટમેન્ટ આપવામાં આવશે. શું તું બેબીસીટર બની શકે છે? હું એક દિવસ મારી પત્ની સાથે પિક્ચર જોવા જવાનું વિચારું છું. તે સમયે તારે બેબીસીટર બનવું પડશે," તેમ પૈનેએ પંતને બેટિંગ દરમિયાન જણાવ્યું હતું.
પૈનેની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો મૂક્યો
પૈનેની પત્નીએ રીષભ પંત અને બાળકો સાથેનો એક ફોટો મૂક્યો અને નીચે ફોટોલાઇન લખી હતી કે, બેસ્ટ બેબીસીટર, પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનના સિડની ખાતેના ઘરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન.
પૈનેની પત્નીએ રીષભ પંત તથા ટીમ પૈને વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધનો હળવાશથી અંત લાવ્યો હતો.
Image
ભારત - ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રધાનમંત્રીને મળી
ભારત તથા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો હાલમાં સિડનીમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટ મેચની તૈયારીઓમાં વ્યસ્ત છે. નવા વર્ષના પ્રથમ દિવસે બંને ટીમોએ પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની મુલાકાત કરી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલી તથા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પૈનેએ પ્રધાનમંત્રીને બેટ ભેટ સ્વરૂપે આપ્યા હતા.પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને બંને ટીમોને સિડની ખાતે શ્રેષ્ઠ ક્રિકેટ રમવાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી તથા કોચ રવિ શાસ્ત્રીને ટીમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપું છું. ભારતીય ટીમ સમગ્ર પ્રવાસ દરમિયાન ઉચ્ચ કક્ષાનું ક્રિકેટ રમી છે અને આગામી મેચ પણ રસપ્રદ બની રહે તેવી મને આશા છે.
Prime Minister Scott Morrison hosted a New Year’s Day Reception at Kirribilli House for the Australian and Indian Test Cricket Teams and their families. Source: PMO Australia