મુખ્ય મુદ્દા
- દેશનિકાલનો સામનો કરી રહેલા પર્થના પરિવારને પર્મેનન્ટ રેસીડન્સી મળી.
- પુત્રને ડાઉન સિન્ડ્રોમની પરિસ્થિતિ હોવાના કારણે તેમની પર્મેનન્ટ રેસીડન્સીની અરજી રદ કરવામાં આવી હતી.
- ઇમિગ્રેશન મંત્રી એન્ડ્ર્યુ જાઇલ્સના હસ્તક્ષેપ બાદ પરિવારને પર્મેનન્ટ રેસીડન્સી આપવામાં આવી..
પુત્રને ડાઉન સિન્ડ્રોમની પરિસ્થિતિ હોવાના કારણે ભારતીયમૂળના પરિવારની ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સીની અરજી રદ કરવામાં આવી હતી.
જોકે, હવે કેન્દ્રીય મંત્રી એન્ડ્ર્યુ જાઇલ્સે હસ્તક્ષેપ કર્યા બાદ પરિવારને પર્મેનન્ટ રેસીડન્સી આપવામાં આવી છે.
પરિવારને ઓસ્ટ્રેલિયા છોડવા માટે એક અઠવાડિયાનો સમય હતો તે અગાઉ તેમને પર્મેનન્ટ રેસીડન્સી આપવામાં આવી છે.
મતલબ કે ક્રિશ્ના અનિશ, અનિશ કોલિક્કારા અને તેમના બે બાળક હવે લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે.
કારણ કે તેમના 10 વર્ષીય પુત્ર આર્યનને ડાઉન સિન્ડ્રોમની પરિસ્થિતિ છે. તેની સારવારના ખર્ચના કારણે દેશમાં ટેક્સ ભરતા લોકો પર ભાર વધી શકે છે.
બાળકના માતા-પિતાએ કેન્દ્રીય મંત્રી જાઇલ્સને આ મામલે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી હતી.
બુધવારે પરિવારને મળેલા પત્રમાં જણાવ્યું હતું કે, મંત્રી જાઇલ્સે તે પરિવારની પર્મેનન્ટ રેસીડન્સીની અરજી તાત્કાલિક ધોરણે માન્ય રાખી છે.
પત્રમાં લખ્યું હતું કે, મંત્રીએ વ્યક્તિગત ધોરણે આ કેસ ધ્યાનમાં લીધો છે અને તેમાં તેમણે જાહેર હિતના અધિકારને ધ્યાનમાં રાખીને એડમિનિસ્ટ્રેટીવ અપીલ્સ ટ્રીબ્યુનલના નિર્ણયને બદલ્યો છે.
પર્મેનન્ટ રેસીડન્સી મળ્ય બાદ ક્રિષ્નાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મંત્રીએ હસ્તક્ષેપ કર્યા બાદ પરિવાર રાહત અનુભવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, હું મારી લાગણીને શબ્દોમાં વર્ણવી શકતી નથી. હું ખુબ જ ખુશ છું.
મને જ્યારે ખબર પડી કે હવે મારો પરિવાર આ સમુદાયમાં જ રહેશે અને મારા બાળકો અહીંના વાતાવરણમાં ઉછરશે ત્યારે મારી આંખમાં ખુશીના આસું આવી ગયા હતા.
પીપલ વિથ ડિસેબિલિટી ઓસ્ટ્રેલિયાના ખજાનચી સુરેશ રાજન આ પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, ક્રિષ્ના અને અનીશ ઓસ્ટ્રેલિયાને જરૂર હોય તેવા ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે. અને જાહેર હિતના આધારે તેમની દેશમાં જરૂર છે.
જોકે, આ સમગ્ર પ્રક્રિયામાં પરિવારે સહન કરવી પડેલી પીડા અંગે તેમણે નિરાશા વ્યક્ત કરી હતી.
ક્રિષ્નાએ જણાવ્યુ હતું કે શરૂઆતમાં જ્યારે અમારી પર્મેનન્ટ રેસીડન્સીની અરજી રદ કરવામાં આવી હતી ત્યારે તેને ઘણું દુ:ખ થયું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારા જેવી પરિસ્થિતિનો સામનો કરતા પરિવારોને પર્મેનન્ટ રેસીડન્સી મળે તે માટે નિયમમાં ફેરફાર થાય તેવી આશા છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.