ભારતીયો માટે ક્રિકેટની રમત એક ધર્મ જેટલું મહત્વ ધરાવે છે અને એટલે જ તેઓ વિશ્વમાં જ્યાં પણ વસે ત્યાં આ રમત સાથે વિવિધ રીતે સંકળાયેલા જોવા મળે છે. છેલ્લા દશકમાં ઓસ્ટ્રેલિયા આવીને વસેલા ભારતીય મૂળના માઇગ્રન્ટ્સે ભારત દેશ છોડ્યો પરંતુ તેમની લોકપ્રિય રમત ક્રિકેટને ભૂલ્યા નથી.
ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્તર પર રમાતા ક્રિકેટ સાથે તેઓ હંમેશાં સંકળાયેલા જોવા મળે છે, સ્કૂલ, યુનિવર્સિટી અને ક્લબ સ્તર પર ક્રિકેટ રમીને પોતાનો શોખ પૂરો કરે છે.
તાજેતરમાં જ બહાર પડેલા એક ડેટા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના વિવિધ સ્તરના ક્રિકેટમાં સૌથી વધુ જોવા મળતી કોઇ ત્રણ અટક હોય તો તે સિંઘ, સ્મિથ અને પટેલ છે.
Image
'પટેલ' અટક ત્રીજા સ્થાને
ના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં સિંઘ અટક ધરાવતા ખેલાડીઓ સૌથી વધુ જોવા મળે છે. ત્યાર બાદ સ્મિથ બીજા ક્રમે છે. અને પટેલ અટક ત્રીજો ક્રમ ધરાવે છે. જ્યારે જોન્સ અને બ્રાઉન અટકવાળા ખેલાડીઓની સંખ્યા ચોથા અને પાંચમાં ક્રમે છે.
અટક ખેલાડી
સિંઘ 1481
સ્મિથ 954
પટેલ 604
જોન્સ 553
બ્રાઉન 546
વિલિયમ્સ 536
માય ક્રિકેટ વેબસાઇટના જણાવ્યા પ્રમાણે વર્ષ 2018/19માં ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્તર પર ક્રિકેટ રમતા કુલ 247,000 ખેલાડીઓમાંથી લગભગ 1500 જેટલા નામ સિંઘ અટક ધરાવતા હતા જ્યારે સ્મિથ અટક 954 સાથે બીજા ક્રમે રહી હતી. પટેલ અટક ધરાવતા 604 ખેલાડીઓ વર્ષ 2018/19માં ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્તર પર ક્રિકેટ સાથે સંકળાયેલા રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં વધુ પ્રચલિત અન્ય ભારતીય અટક
ઓસ્ટ્રેલિયામાં વિવિધ લેવલ પર રમાતા ક્રિકેટમાં સિંઘ અને પટેલ ઉપરાંત પણ અન્ય ભારતીય અટક મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેમાં 411 ખેલાડીઓ સાથે 'ખાન', 362 ખેલાડીઓ સાથે 'શર્મા', 280 ખેલાડીઓ સાથે 'કુમાર' અટકનો સમાવેશ થાય છે.ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટ સાથે સંકળાયેલા અમ્પાયર ચિન્મય મહેતાએ માઇગ્રન્ટ્સ કમ્યુનિટીના ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ અપનાવવા અંગે જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક સમયમાં ન્યૂ સાઉથ વેલ્સ ક્રિકેટના વિવિધ ક્લબ સાથે અમ્પાયરિંગ દરમિયાન મેં ઘણા ભારતીય મૂળના યુવા ક્રિકેટર્સને ક્રિકેટ રમતા નિહાળ્યા છે."
Source: AAP Image/David Mariuz
"ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં હરિન્દર સિંઘના પ્રવેશના કારણે સિંઘ - અટક ધરાવતા ખેલાડીઓનું મોટું પ્રમાણ જોવા મળતું હતું. પરંતુ, હવે અન્ય સમાજના માઇગ્રન્ટ્સ પણ ક્રિકેટની રમતને અપનાવતા થયા છે. પટેલ સહિત અન્ય ગુજરાતી અટક ધરાવતા ખેલાડીઓનો ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં પ્રવેશ આવકાર્ય છે."
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ચાલતા કાર્યક્રમો
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા દેશમાં વિવિધ સ્તર પર ક્રિકેટનો વિકાસ થાય અને માઇગ્રન્ટ સમાજના યુવા ક્રિકેટર્સ રમતમાં ભાગ લેતા થાય તે માટે વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
આ અંગે SBS Gujarati સાથે વાત કરતા ક્રિકેટ વિક્ટોરિયાના અધિકારી હેમિશ જોન્સે જણાવ્યુંં હતું કે, છેલ્લા કેટલાક સમયમાં ક્લબ, સ્કૂલ સ્તર પર યુવા ક્રિકેટર્સ ભાગ લેતા થાય તે માટે ટેલેન્ટ હન્ટના કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, યુવા ખેલાડીઓમાં ક્રિકેટ પ્રત્યે રસ વધે તે માટે નાના ગ્રાઉન્ડ્સ અને નાની પિચનો ખ્યાલ અમલમાં મૂકવામાં આવ્યો છે.
હાર્મની હબ્સ, હાર્મની ઇન ક્રિકેટ એસોસિયેશન, મેલ્બર્ન સ્ટાર્સ લીગ (મેન્સ, વિમેન્સ), મેલ્બર્ન રેનેગેડ્સ ચેમ્પિયન્સ લીગ જેવી ટૂર્નામેન્ટના કારણે વિવિધ વયજૂથના માઇગ્રન્ટ ખેલાડીઓને ક્રિકેટની રમત સાથે સંકળાવાની તક મળે છે અને જેના કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેમની સંખ્યામાં વધારો થયો છે.