ન્યૂ સાઉથ વેલ્સ પોલિસે રોસહિલ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરી છે.
ફેસબુકના માધ્યમથી ન્યૂ સાઉથ વેલ્સ પોલિસ ફોર્સે એક પોસ્ટ મૂકી છે. જેના જણાવ્યા પ્રમાણે, કેટલાક ફોટો પ્રસિદ્ધ કર્યા બાદ પોલિસને જાહેર જનતા તરફથી તપાસમાં મદદ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવાર 5મી મે 2023ના રોજ કમ્બરલેન્ડ પોલિસ એરિયા કમાન્ડને રોસહિલ ખાતેના મંદિરની દિવાલ પર સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે 1થી 2 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી.
તપાસ બાદ ડિટેક્ટીવ્સે વર્જીનિયા સ્ટ્રીટ પર જેમ્સ રુસ ડ્રાઇવ, રોસહિલ તરફ જતી એક કારનો ફોટો પ્રસિદ્ધ કર્યો છે.
જેમના માનવા પ્રમાણે, કારમાં મુસાફરી કરી રહેલા લોકો પાસે આ ઘટના સંબંધિત કોઇ જાણકારી હોઇ શકે છે અથવા તેઓ ડેશકેમની ફૂટેજ દ્વારા પોલિસની મદદ કરી શકે છે.
અન્ય એક ફોટામાં એક વ્યક્તિ ઘટના બની તે સમયે મંદિરની પાસે જોવા મળી હતી. ફોટોમાં દેખાય છે તે પ્રમાણે તે વ્યક્તિ એક કાળ રંગના કપડા, ટોપી અને માસ્ક પહેર્યું છે.
પોલિસે નિવેદનમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિનું ફોટોમાં વર્ણન કરવામાં આવ્યું છે તેનો કાર સાથે કોઇ સંબંધ છે કે નહીં, તે અંગે કોઇ પુષ્ટિ થઇ શકી નથી.
કમ્બરલેન્ડ કમાન્ડર, સુપ્રિટેન્ડેન્ટ શેરીડાન વાલ્ડાઉએ જણાવ્યું હતું કે, સમુદાયના સભ્યોને તે વ્યક્તિ કે કાર અંગે કોઇ માહિતી હોય અને તેઓ તપાસ અધિકારીઓને આ અંગે મદદ કરી શકે તેવી આશા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તે વ્યક્તિ અથવા કારમાં મુસાફરી કરી રહેલા લોકો તપાસ અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. જેથી પોલિસને તપાસમાં મદદ મળી રહે.
BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રવક્તા પ્રફુલ્લભાઇ જેઠવાએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મંદિરના સ્વયંસેવકો તથા કમિટિના સભ્યો પોલિસને આ ઘટનામાં તમામ પ્રકારનો સહયોગ આપી રહ્યા છે.
અને, સમુદાયના સભ્યોમાં સદભાવના અને એકતા જળવાય તે સંસ્થાની પ્રાથમિકતા છે.
પોલિસ સુપ્રિટેન્ડન્ટ શેરીડાન વાલ્ડાઉએ જણાવ્યું હતું કે, ન્યૂ સાઉથ વેલ્સ પોલિસ પશ્ચિમ સિડનીમાં બહુસાંસ્કૃતિક સમુદાય સાથે નિકટતાથી કાર્ય કરે છે અને સમુદાયના સભ્યોને આ પ્રકારની ઘટના બાદ બિનજરૂરી તણાવ થાય તે નિરાશાજનક છે.
પોલિસે સમુદાયના કોઇ પણ સભ્ય પાસે આ ઘટના અંગે કોઇ માહિતી હોય તો પોલિસ વિભાગનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
ફેસબુક પોસ્ટના માધ્યમથી પોલિસ વિભાગે જણાવ્યું હતું કે, કોઇ પણ વ્યક્તિ પાસે આ ઘટના સંબંધિત કોઇ માહિતી હોય તો તે ગ્રેનવિલ પોલિસ સ્ટેશન અથવા ક્રાઇમ સ્ટોપર્સનો 1800 333 000 પર અથવા પર સંપર્ક કરી શકે છે.
તમામ પ્રકારની માહિતીને ગુપ્ત રાખવામાં આવશે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.