વિરોધ પ્રદર્શન માટે ઓસ્ટ્રેલિયા સ્થિત BAPS મંદિરને નિશાન બનાવાયું

સિડનીના રોસહિલ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર ભારતના વડાપ્રધાન વિરોધી સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા. સંસ્થાએ શાંતિ જાળવવા અપીલ કરી, સાંસદ એન્ડ્ર્યુ ચાર્લ્ટને ઘટનાની નિંદા કરી સૂત્રોચ્ચાર ભૂંસવામાં મદદ કરી.

IMG_0873.JPG

Federal Member for Parramatta Andrew Charlton MP helped to clean up the graffiti on the BAPS Swaminarayan Temple in Sydney.

ઓસ્ટ્રેલિયાના સિડની શહેર સ્થિત રોસહિલ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર ગ્રેફિટી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

BAPS સિડની દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, રોસહિલ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર અસમાજિક તત્વો દ્વારા ભારત વિરોધી સંદેશા લખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ઓસ્ટ્રેલિયા સ્થિત BAPS મંદિરને ભારત વિરોધી સંદેશા લખવા માટે બીજી વખત નિશાન બનાવવામાં આવ્યું છે. અગાઉ મેલ્બર્નમાં આવેલા મંદિરની દિવાલ પર આ પ્રમાણે સંદેશા લખવામાં આવ્યા હતા.

નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, BAPS સ્વામિનારાયણ મંદિર છેલ્લા 23 વર્ષોથી સ્થાનિક સમુદાય માટે આસ્થાનું પ્રતિક છે અને સમગ્ર વિશ્વમાં આવેલા BAPS મંદિરની જેમ તે એકતા, સમાનતા, શાંતિ અને સદ્ભાવ ફેલાવે છે.

સિડની રોસહિલ BAPS મંદિરના પ્રવક્તા પ્રફુલ્લભાઇ જેઠવાએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘટના બાદ મંદિર તરફથી ગ્રેનવિલ પોલિસને જાણ કરવામાં આવી હતી. અને, હાલમાં પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

તેમણે ઘટના બાદ મંદિર તથા સમુદાયને પોલિસ, ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ, સાંસદ તથા સિડની સ્થિત ભારતીય કોન્સુલ જનરલ તરફથી મળી રહેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અને, સિડની તથા ઓસ્ટ્રેલિયા સ્થિત સંસ્થાના અનુયાયીઓને શાંતિ તથા એકતા જાળવવા અપીલ કરી હતી.
IMG_0808.JPG
Federal Member for Parramatta Andrew Charlton MP visited the BAPS Swaminarayan Temple in Sydney.

પેરામેટાના સાંસદ એન્ડ્ર્યુ ચાર્લ્ટને સૂત્રોચ્ચાર ભૂંસી દિવાલ ફરીથી રંગવામાં મદદ કરી

SBS Gujarati ને આપેલા નિવેદનમાં પેટામેટા વિસ્તારના સાંસદ એન્ડ્ર્યુ ચાર્લ્ટને ઘટનાની નિંદા કરી હતી.

તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, મારા પેરામેટા મત વિસ્તારના રોસહિલ ખાતે આવેલા મંદિર પર લખવામાં આવેલા સૂત્રોચ્ચારથી હું દુખી છે.

ઓસ્ટ્રેલિયામાં રહેતા તમામ લોકોને શાંતિપૂર્વક તેમની ધાર્મિક માન્યતાઓ અનુસરવાનો હક છે. અને, કેન્દ્ર સરકાર કોઇ પણ ધર્મની ઇમારત પર કરવામાં આવેલા હુમલાને સહન નહીં કરે.

હાલમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની સંલગ્ન સંસ્થાઓ ઘટનાની તપાસ કરી રહી છે. તથા, નફરત ફેલાવતી પ્રવૃત્તિને આપણા સમુદાયમાં કોઇ સ્થાન નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.

ફેસબુક પેજ પર મુકવામાં આવેલી પોસ્ટમાં સાંસદ ચાર્લ્ટન સંસ્થાના સ્વયંસેવકો સાથે મળીને સૂત્રોચ્ચાર ભૂંસીને દિવાલને ફરીથી રંગ કરતા જોવા મળ્યા હતા.

મિશેલ રૌલાન્ડે ઘટનાને નિંદા કરી

ગ્રીનવે વિસ્તારના સાંસદ તથા ઓસ્ટ્રેલિયાના કમ્યુનિકેશન મંત્રી મિશેલ રૌલાન્ડે BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર લખવામાં આવેલા સંદેશાની ટીકા કરી છે.
તેમણે ફેસબુક પેજના માધ્યમથી નિવેદનમાં જણાવ્યું હતું કે, કોઇ પણ સંપ્રદાયના ધાર્મિક સ્થળને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી. રોસહિલ ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિર ઉત્તર - પશ્ચિમ સિડની ખાતે રહેલા સમુદાયના આસ્થાનું પ્રતિક છે. અને તેની પર કરવામાં આવેલી ગ્રાફિટી સહન નહીં કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોની ક્વોડ બેઠકમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવવાના છે અને મળતી માહિતી પ્રમાણે, તેમની આ યાત્રા અગાઉ મંદિરની દિવાલ પર વડાપ્રધાન વિરોધી સૂત્રોચાર લખવામાં આવ્યા હતા.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share
Published 8 May 2023 1:19pm
Updated 8 May 2023 2:42pm
By Vatsal Patel
Source: SBS

Share this with family and friends