વાહનોના વધુ વપરાશના કારણે ઓસ્ટ્રેલિયા સહિત સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના પ્રદુષણો વધી રહ્યા છે. જેમાં ગરમી વધવી તથા હવાનું પ્રદુષણ મુખ્ય છે. હવાના પ્રદુષણના કારણે લોકોને ગંભીર બિમારી થવી તથા મૃત્યું પણ થઇ રહ્યા છે. દરેક વર્ષે સમગ્ર વિશ્વમાં 3.5 મિલિયન લોકોના આ કારણે મૃત્યું પણ થઇ રહ્યાં છે. આગામી સમયમાં હવાનું પ્રદુષણ સમગ્ર વિશ્વ માટે એક ગંભીર મુદ્દો બની રહે તેવી શક્યતા છે.
ક્લાઇમેટ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ગ્રીનહાઉસ ગેન ઉત્પન્ન કરનારો ત્રીજો મોટો સ્ત્રોતએ કારનો વપરાશ છે.
દરેક વર્ષે, 22મી સપ્ટેમ્બરે વિશ્વમાં વર્લ્ડ કાર ફ્રી ડેની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય એક દિવસ કારનો કે અન્ય ખાનગી વાહનોનો ઉપયોગ નહીં કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ, ટ્રેન જેવા જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવો અથવા સાઇકલનો ઉપયોગ કરવો.SBS Gujarati એ વર્લ્ડ કાર ફ્રી ડેના દિવસે ઓસ્ટ્રેલિયાના લોકો કેવી રીતે આ ઉદ્દેશ્યમાં પોતાનો ફાળો આપશે અને પર્યાવરણની રક્ષા માટે તેમનું શું માનવું છે તે જાણ્યું.
Transport Sydney Trains and commuters at Central railway station. Source: AAP Image/Dan Himbrechts
મેલ્બોર્નમાં રહેતી આયેશા ગફારે જણાવ્યું હતું કે, "હું માનું છું કે, આ એક અનોખી પહેલ છે. એક દિવસ કાર નહીં વાપરીને જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવાથી પર્યાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટી શકે છે. હું હંમેશાં નોકરી પર જવા માટે કારનો ઉપયોગ કરું છું પરંતુ આ દિવસે હું અન્ય જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરીને સહયોગ આપીશ."
"મેલ્બોર્નમાં રહેતા વિનીત પટેલે જણાવ્યું હતું કે મારા મતે આપણે હંમેશાં જરૂર પડે તો જ કારનો ઉપયોગ કરવો અને જાહેર વાહન વ્યવહારના વિકલ્પો અપનાવવાનો આગ્રહ રાખવો જોઇએ. જો બની શકે તો, નોકરી પર જવા માટે હંમેશાં ટ્રેન કે બસનો ઉપયોગ કરવો હિતાવહ છે."વાહનોમાંથી કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ગંભીર વાયુ નીકળે છે જે પર્યાવરણ તથા પૃથ્વી પરના મોટાભાગના જીવોને નુકસાન કરે છે. પર્યાવરણમાં વધી રહેલા આ પ્રકારના ગેસ ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ગંભીર મુદ્દો બન્યો છે.
People sit in a Sydney Trains carriage during rush hour. Source: AAP Image/David Moir
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રીપોર્ટ પ્રમાણે દર વર્ષે હવાના પ્રદુષણથી વિશ્વમાં 3.5 મિલિયન લોકો મોતને ભેટે છે અને આ આંકડા સતત વધી જ રહ્યા છે.વાહનોનો વધુ વપરાશ ફક્ત હવાનું પ્રદુષણ જ નથી ફેલાવતો પરંતુ તેનાથી ટ્રાફિક તથા અવાજનું પ્રદુષણ પણ વધે છે.
"કાર ફ્રી ડે એ અનોખો ઉદ્દેશ્ય છે. તેમાં લોકોને પર્યાવરણની જાળવણી કરવાની તથા હવાનું પ્રદુષણ ઓછું થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઉદ્દેશ્યમાં સહયોગ આપવા માટે હું હંમેશાં જાહેર વાહન વ્યવહારના વિકલ્પોનો જ ઉપયોગ કરું છું," તેમ ઓસ્ટ્રેલિયામાં રહેતી વિદ્યાર્થીની રશ્મી પાટીલે જણાવ્યું હતું.મેલ્બોર્નની સ્વીનબર્ન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા કિશોર સુબેદીએ જણાવ્યું હતું કે, "હું હંમેશાં ટ્રેન અને બસ જેવા વાહન વ્યવહારનો ઉપયોગ કરું છું જ્યારે મારા સામાન્ય કાર્ય માટે હું સાઇકલ વાપરું છું. તેનાથી ફક્ત નાણાંની બચત થતી નથી પરંતુ તે કસરત કરવાનું માધ્યમ પણ છે."
A cyclist going to work in Melbourne's CBD. Source: AAP Image/Joe Castro
ઉમર હફીઝે જણાવ્યું હતું કે, "મારું આ અઠવાડિયના અંતે મિત્રો સાથે શહેરની બહાર જવાનું આયોજન છે. ઘણા બધા વાહનો વાપરવાના બદલે હું કારપુલિંગનો વિકલ્પ અપનાવીશ. તેનાથી ફક્ત એક દિવસ માટે કારનો વપરાશ ઘટશે, પરંતુ લાંબા સમય માટે પણ કારનો વપરાશ ઘટાડવા અંગે વિચારવાની જરૂર છે." તેમ હફીઝે ઉમેર્યું હતું.
ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિક્સના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 2018માં ઓસ્ટ્રેલિયામાં 19.2 મિલિયન વાહનો નોંધાયા છે.
વર્લ્ડ કાર ફ્રી ડે વર્ષ 2000થી ઉજવવામાં આવી રહ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય તે દિવસ પૂરતો કારનો ઉપયોગ નહીં કરવાનો છે. આ દિવસે લોકોને પોતાની કાર નહીં વાપરીને જાહેન વાહન વ્યવહારના સાધનો ઉપયોગમાં લેવા અંગે પ્રોત્સાહિત કરાય છે.
More stories on SBS Gujarati
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ખાદ્યપદાર્થોની વધતી માંગ