ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકોના વિસા બદલી અપાશે

કોવિડ-19 મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થતા હજારો ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકો ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયા હતા. તેઓ હવે વિસા બદલી માટે અરજી કરી શકશે. સરકારે માસ્ટર ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ માટે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાની અવધિ 2 વર્ષના બદલે 3 વર્ષ કરવાનો નિર્ણય લીધો.

Sydney Airport Welcomes International Travellers As Border Restrictions Ease

The government says the changes will provide flexibility for international students and graduates as they get set to return to Australia. Source: Getty

કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયા પરત ન ફરી શક્યા હોય તેવા ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકો હવે વિસા બદલી માટે અરજી કરી શકે છે.

કેન્દ્ર સરકારે ગુરુવારે આ અંગે જાહેરાત કરી હતી. જે અંતર્ગત ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસા (485) ધરાવતા વર્તમાન વિસાધારકો તથા જેના વિસા 1લી ફેબ્રુઆરી 2020ના રોજ કે ત્યાર બાદ સમાપ્ત થઇ ગયા હોય તેઓ આ વિસા માટે અરજી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ પૂર્ણ કરે ત્યાર બાદ તેમને ઓસ્ટ્રેલિયામાં રહીને કાર્ય કરવા માટે 485 વિસા આપવામાં આવે છે.

કોવિડ-19 મહામારીના કારણે ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી હતી. જેના કારણે હજારો ટેમ્પરરી વિસાધારકો દેશ બહાર ફસાઇ ગયા હતા.
Studnets
International students and skilled migrants set to return to Australia from 1 December. Source: Getty Images/Erlon Silva/TRI Digital
SBS News ના માનવા પ્રમાણે, 30,000 જેટલા ટેમ્પરરી વિસાધારકોને ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થવાથી અસર પહોંચી હતી. અને તેમના વિસા સમાપ્ત થયા હતા.

ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા ટેમ્પરરી વિસાધારકો માટે સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અંગે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને જણાવ્યું હતું કે, આ નિર્ણય દ્વારા હજારો ટેમ્પરરી વિસાધારકોને રાહત મળશે.

જે ટેમ્પરરી વિસાધારકો કોવિડ-19 મહામારી શરૂ થઇ તે અગાઉ ઓસ્ટ્રેલિયા બહાર હતા તેઓ સરહદો બંધ થતા પરત ફરી શક્યા નહોતા અને તેમના વિસા સમાપ્ત થઇ ગયા કે સમાપ્ત થવાના આરે હતા તેઓ હવે નવી ગોઠવણનો લાભ મેળવી શકશે.

આ ઉપરાંત, સરકારે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાની અવધિ 2 વર્ષના બદલે 3 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માસ્ટર્સ ડિગ્રી મેળવશે તેમને હવે વધુ એક વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહીને કાર્ય કરવાની તથા અનુભવ મેળવવાની તક રહેશે, તેમ પાર્થ પટેલે ઉમેર્યું હતું.
શું છે નવી ગોઠવણ

  • 1લી ફેબ્રુઆરીના રોજ કે ત્યાર બાદ જે ટેમ્પરરી ગ્રેજ્યુએટ (સબક્લાસ 485) વિસાધારકના વિસા સમાપ્ત થઇ ગયા હોય અને તે કોરોનાવાઇરસના પ્રતિબંધના કારણે પરત ન ફરી શક્યા હોય તેમને Replacement Visa નો લાભ મળશે.
  • માસ્ટર ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓ માટે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાની અવધિ 2 વર્ષને બદલે 3 વર્ષ કરવાનો નિર્ણય લેવાયો.
ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની સરહદો ફરીથી એક વખત ખુલવા જઇ રહી છે ત્યારે આ ફેરફાર વિદ્યાર્થીઓ માટે લાભદાયી છે.

નવા ફેરફાર દ્વારા દેશના અર્થતંત્રને પણ વેગ મળશે અને પ્રતિભા ધરાવતા કામદારો મોટી સંખ્યામાં દેશમાં પ્રવેશ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે દેશ બહાર ફસાઇ ગયેલા 485 વિસાધારકો તેમના વિસા સમાપ્ત થઇ રહ્યા હોવાથી તેને લંબાવવા માટે માંગ કરી રહ્યા હતા.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share
Published 25 November 2021 1:23pm
By Vatsal Patel

Share this with family and friends