ઓસ્ટ્રેલિયન્સે છેતરપિંડીનો ભોગ બની 634 મિલિયન ડોલર ગુમાવ્યા

ઓસ્ટ્રેલિયન કોમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) દ્વારા બહાર પાડવામાં આવેલા એક રીપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ વર્ષ 2019માં છેતરપિંડી દ્વારા 634 મિલિયન ડોલર જેટલી રકમ ગુમાવી છે. જે વર્ષ 2018ની સરખામણીમાં 34 ટકા વધુ છે.

safe from Scams during COVID-19

Source: GETTY Images

ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2019માં સ્કેમવોચ, સરકારી સંસ્થા અને ચાર મુખ્ય બેન્કમાં છેતરપિંડીના કુલ 353,000 કેસ નોંધાયા હતા. અને તે અંતર્ગત, ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ 634 મિલિયન ડોલર જેટલી રકમ ગુમાવી છે.

સ્કેમવોચમાં વર્ષ 2018માં 107 મિલિયન ડોલર ગુમાવ્યાનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયન્સે કુલ 143 મિલિયન ડોલર ગુમાવ્યા હતા. વર્ષ 2018ની સરખામણીમાં 2019માં 34 ટકાનો વધારો નોંધાયો હતો.

નાણા રોકાણ દ્વારા સૌથી વધુ ગુના

સ્કેમવોચ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી પ્રમાણે, ઓસ્ટ્રેલિન્સે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ એટલે કે નાણા રોકવા વિશેની યોજના સાથે સંકળાયેલી છેતરપિંડીમાં સૌથી વધુ 61.8 મિલિયન ડોલર ગુમાવ્યા છે.

  • ડેટિંગ અને રોમાન્સ - 28.6 મિલિયન ડોલર
  • ખોટા બિલ – 10.1 મિલિયન ડોલર
  • હેકિંગ – 5.1 મિલિયન ડોલર
  • ઓનલાઇન શોપિંગ સ્કેમ – 4.8 મિલિયન ડોલર
  • રીમોટ એક્સેસ સ્કેમ – 4.8 મિલિયન ડોલર
  • ખોટી ઓળખ સાથેનો સ્કેમ – 4.3 મિલિયન ડોલર
  • ધમકી અને અન્ય ગુના – 4.3 મિલિયન ડોલર
Scams cost Australians $634 million
Scams cost Australians $634 million Source: ACCC

55થી 64 વર્ષના લોકો છેતરપિંંડીનો સૌથી વધુ ભોગ

ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્કેમ્સનો ભોગ બનનારા લોકોના વયજૂથમાં સૌથી વધુ 23 ટકા લોકો 55થી 64 વર્ષની વય ધરાવે છે. બીજા ક્રમે, 45થી 54 વર્ષની ઉંમર અને ત્રીજા ક્રમે 35થી 44 વર્ષની વયજૂથના લોકોનો સમાવેશ થાય છે. તેમનું અનુક્રમે પ્રમાણ, 21 ટકા તથા 20 ટકા છે.

પુરુષો નાણા રોકાણ સંબંધી છેતરપિંડીનો સૌથી વધુ ભોગ

પુરુષો નાણા રોકાણ સાથે જોડાયેલી છેતરપિંડીનો સૌથી વધુ ભોગ બન્યા છે. જે અંતર્ગત, તેમણે 44.7 મિલિયન ડોલરની રકમ ગુમાવી છે. વર્ષ 2019 દરમિયાન પુરુષોએ કુલ 77.5 મિલિયન ડોલર વિવિધ પ્રકારની છેતરપિંડી દ્વારા ગુમાવી છે.
Scams cost Australians $634 million
Scams cost Australians $634 million Source: ACCC
બીજી તરફ, મહિલાઓએ વર્ષ 2019 દરમિયાન 63.6 મિલિયન ડોલર ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ 21.5 મિલિયન ડોલર તેમણે ડેટિંગ અને રોમાન્સ સાથે જોડાયેલી છેતરપિંડીમાં ગુમાવ્યા છે.

ફોન દ્વારા સૌથી વધારે છેતરપિંડી

વર્ષ 2019માં છેતરપિંડી સાથે સંકળાયેલી કુલ ફરિયાદમાં 41.4 ટકા ગુના ફોન પર સંપર્ક દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે ઇમેલ દ્વારા 24 ટકા, મેસેજ દ્વારા 16.6 ટકા અને ઇન્ટરનેટ દ્વારા 7 ટકા છેતરપિંડી કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન કોમ્પિટીશન એન્ડર કન્ઝ્યુમર કમિશનના અધિકારી ડેઇલા રીકાર્ડે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં છેતરપિંડી કરનારા લોકો સોશિયલ મીડિયા એપ્લિકેશન અને નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને શિકાર બનાવી રહ્યા છે.

સોશિયલ મીડિયા એપ્લિકેશનના ઉપયોગથી ડેટિંગ અને રોમાન્સ સાથે સંકળાયેલી છેતરપિંડી વધી રહી છે. લોકોએ આ અંગે વધુ જાગૃત બનવાની જરૂર છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 


Share
Published 25 June 2020 12:51pm
Updated 25 June 2020 2:18pm
By SBS Gujarati
Source: SBS


Share this with family and friends