કોરોનાવાઇરસના કારણે નાણાકિય મુશ્કેલીનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયન્સને છેતરવા માટે કેટલાક સ્કેમર્સે સુપરએન્યુએશનનો સહારો લીધો છે.
તાજેતરમાં જ સરકારે એવી જાહેરાત કરી હતી કે, જે ઓસ્ટ્રેલિયન્સ વર્તમાન સમયમાં કોરોનાવાઇરસના કારણે નાણાકિય સંકટનો સામનો કરી રહ્યા હોય તેઓ એપ્રિલના મધ્યથી તેમના સુપરએન્યુએશનમાંથી નાણા ઉપાડી શકે છે.
કેટલાક સ્કેમર્સ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓને તેમના સુપરએન્યુએશનમાંથી ફંડ ઉપાડવાની પ્રક્રિયા ઝડપથી કરવાની લાલચ આપીને છેતરપીંડી કરી રહ્યા છે, તેમ ઓસ્ટ્રેલિયન કોમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) ના ડેપ્યુટી ચેર ડેલિયા રીકાર્ડે જણાવ્યું હતું.
તેમણે લોકોને સલાહ આપતા ઉમેર્યું હતું કે, મોટાભાગના લોકો માટે સુપરએન્યુએશન એક મોટી મિલકત સમાન છે. ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ ઝડપથી સુપરએન્યુએશન મળી રહે તે માટે કાર્ય કરી રહી છે. તેથી જ કોઇ ત્રાહિત વ્યક્તિ કે પક્ષનો સંપર્ક કરવો નહીં.
ક્યારેય પણ myGov ની મુલાકાત લેવા માટે કોઇ અજાણી લિન્કને ઓપન કરવી નહીં. બ્રાઉઝરમાં તે વેબસાઇટનું એડ્રેસ ટાઇપ કરવું તેમ રીકાર્ડે જણાવ્યું હતું.
એક મહિનામાં છેતરપીંડીની સંખ્યા વધી
માર્ચ મહિનામાં સરકારે લોકોને સુપરએન્યુએશનમાંથી ઉપાડ કરવાની મંજૂરી આપતી જાહેરાત કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં સ્કેમના 87 બનાવો નોંધાયા છે. જોકે, એક પણ વ્યક્તિએ તેના નાણા ગુમાવ્યા નથી.
મોટાભાગે સ્કેમર્સ લોકોને ફોન કરીને તેમની વ્યક્તિગત અને નાણાકિય માહિતી માંગે છે જેના દ્વારા તેઓ છેતરપીંડી કરી શકે છે.
સુપરએન્યુએશન ઉપરાંત, સરકારની અન્ય યોજનાઓનો પણ લાભ મેળવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
45થી 54 વયજૂથના લોકો છેતરપીંડીનો ભોગ
વર્ષ 2019માં, ઓસ્ટ્રેલિયન્સે 6 મિલિયન ડોલરથી પણ વધારેની રકમ છેતપરીંડીમાં ગુમાવી હતી. જેમાં 45થી 54 વર્ષની વયજૂથના લોકો સૌથી વધુ ભોગ બન્યા હતા.
વ્યક્તિગત માહિતી ન આપો
ઓસ્ટ્રેલિયન કોમ્પિટીશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) ના રીકાર્ડે સલાહ આપતા જણાવ્યું હતું કે, લોકોને તમારી વ્યક્તિગત માહિતી કે સુપરએન્યુએશનની માહિતી ન આપવી જોઇએ. કોઇ સ્કેમર સરકારી વિભાગ તરફથી ફોન કરી રહ્યો હોવાનું જણાવે તો તાત્કાલિક ફોન મૂકી દેવો અને ફોન કરનાર જે-તે વ્યક્તિની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવો.
જો તમે કોઇ પણ વ્યક્તિને તમારી વ્યક્તિગત માહિતી અથવા સુપરએન્યુએશન એકાઉન્ટની માહિતી આપી છે તો તાત્કાલિક તમારી સુપરએન્યુએશન કંપનીનો સંપર્ક કરવો જરૂરી છે.