કોરોનાવાઇરસના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ઓસ્ટ્રેલિયન સિટીઝન અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સ માટે સરકારે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી હતી પરંતુ તેમાં ટેમ્પરરી વિસાધારકો અને સ્ટુડન્ટ્સ વિસાધારકોનો સમાવેશ કરાયો નહોતો.
આ પેકેજમાં વિવિધ વિસા શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોને પણ સમાવવાની માંગ કરાઇ હતી પરંતુ વડાપ્રધાન સ્કોટ મોરિસને શુક્રવારે મુશ્કેલીમાં મુકાયેલા મુલાકાતીઓ અને સ્ટુડન્ટ્સને તેમના વતન પરત ફરવાની સલાહ આપી હતી.
ત્યાર બાદ શનિવારે એક્ટીંગ મિનિસ્ટર ઓફ ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ્સ સર્વિસના મંત્રી એલન ટજ કોરોનાવાઇરસની મહામારીના સમયમાં વિવિધ વિસા શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા 2.17 મિલિયન લોકો માટેના કેટલાક સુધારા અને નિર્ણયો જાહેર કર્યા હતા.
વિઝીટર વિસાધારકો
જેમના વિસા ત્રણ મહિનાથી ઓછા સમયના છે. તેવા 203,000 આંતરરાષ્ટ્રીય વિઝીટર હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે.
સરકારના જણાવ્યા પ્રમાણે, જે લોકો વિઝીટર વિસા પર ઓસ્ટ્રેલિયામાં છે અને તેમને અહીં જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે તથા ઓસ્ટ્રેલિયામાં અહીં તેમના પરિવારનો સહયોગ પ્રાપ્ત થઇ શકે તે નથી તેમણે વતન પરત ફરવું જોઇએ.
વતન પરત ફરવામાં મુશ્કેલી
ભારતના બ્યૂરો ઓફ ઇમિગ્રેશન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલમાં ભારતમાં 14મી એપ્રિલ 2020 સુધી લૉકડાઉન હોવાના કારણે એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને ઊતરાણ કરવાની મંજૂરી નથી. તેથી જ વિઝીટર વિસા પર ઓસ્ટ્રેલિયા આવેલા વિઝીટર ત્યાર બાદ જ ભારત જઇ શકશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ
ઓસ્ટ્રેલિયામાં હાલમાં 565,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓને કોરોનાવાઇરસના સમયમાં તેમના પરિવાર પાસેથી સહયોગ માંગવા અથવા પાર્ટ – ટાઇમ નોકરી કરવા અંગે જણાવાયું છે.
જે વિદ્યાર્થીઓ એક વર્ષથી ઓછા સમયથી ઓસ્ટ્રેલિયામાં છે તેમણે તેમની વિસા અરજી વખતે એક વર્ષ સુધી જીવનનિર્વાહ થઇ શકે તે માટે નાણાકિય ભંડોળ દર્શાવ્યું હતું તેઓ તે નાણા દ્વારા મુશ્કેલ સમયનો સામનો કરી શકે છે.
જે વિદ્યાર્થીઓ એક વર્ષથી વધુ સમયથી ઓસ્ટ્રેલિયામાં છે તેઓ તેમનું સુપરએન્યુએશન એકાઉન્ટમાંથી ભંડોળ વાપરી શકે છે.
જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોમાં નોકરી મળી શકે
મંત્રી એલન તુજે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હાલમાં દર પખવાડિયે 40 કલાક નોકરી કરી શકે છે. જે વિદ્યાર્થીઓની હાલમાં નોકરી બંધ થઇ ગઇ છે તેમણે 4 ક્ષેત્રોમાં નોકરી માટે અરજી કરી શકે છે.
- એજ કેર
- ચાઇલ્ડ કેર
- એગ્રીકલ્ચર ક્ષેત્ર
- ડીસેબિલીટી અને આરોગ્ય સાથે સંકળાયેલી સેવાઓ
આ ઉપરાંત, હાલમાં સુપરમાર્કેટમાં નોકરી કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નક્કી કરેલા કલાકોથી વધુ કલાકો સુધી કાર્ય કરી શકે છે.
જોકે, 1લી મેથી તેઓ પખવાડિયાના મહત્તમ 40 કલાક સુધી જ કાર્ય કરી શકશે.