ન્યૂ સાઉથ વેલ્સ સરકારે કોરોનાવાઇરસના વધતા પ્રભાવ પર કાબૂ મેળવવા માટે કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. જે કોઇ પણ નાગરિક નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તેને પોલિસ દ્વારા 11,000 ડોલરનો દંડ અને 6 મહિનાની જેલની સજા થશે.
સોમવારે રાત્રે 10.20 કલાકે આરોગ્ય મંત્રી બ્રેડ હઝાર્ડે પ્રસ્તુત કરેલા અંતર્ગત સૂચવામાં આવેલા કારણો વગર ઘરમાંથી બહાર જવું ગેરકાયદેસર ગણાશે, અને તેના ઉલ્લંઘન બદલ કડક સજા કરવામાં આવશે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા માત્ર આ 16 કારણોસર ઘરમાંથી બહાર નીકળી શકાશે.
- ઘર, પાલતૂ પ્રાણી માટે કે અન્ય વ્યક્તિ માટે ખાદ્ય સામગ્રી કે અન્ય જરૂરી સામાન – સર્વિસની ખરીદી કરવા જવું.
- ઘરેથી કાર્ય ન કરી શકે તેવી વ્યક્તિ કાર્યસ્થળ કે ઓફિસ જઇ શકે છે.
- ચાઇલ્ડકેરમાં બાળકને લેવા કે મૂકવા જવું.
- ઘરેથી સ્કૂલ કે શિક્ષણ સંસ્થાનું કાર્ય ન કરી શકનારા લોકો વ્યક્તિગત રીતે સ્કૂલ કે જે – તે શિક્ષણ સંસ્થાની મુલાકાત લઇ શકે છે.
- કસરત કરવા જઇ શકાય છે.
- આરોગ્ય સાથે સંકળાયેલી સેવા, દવાઓ કે પાલક તરીકેની જવાબદારી અદા કરવા બહાર જઇ શકાય છે.
- નિયમ 6(2)(d) અને (e) અથવા 7(1)(h) હેઠળ અમુક ચોક્કસ સંજોગોમાં લગ્ન કે અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકાય છે.
- વેપાર - ઉદ્યોગ કે અન્ય રહેઠાણ બદલવું અથવા સંભવિત નવા ઘરની મુલાકાત લઇ શકાય છે.
- જરૂરિયાતમંદ વ્યક્તિની સાર – સંભાળ અથવા તેને ઇમરજન્સીના સમયમાં સહાય કરી શકાય છે.
- રક્તદાન કરી શકાય છે.
- કાયદાકીય જવાબદારીઓ અદા કરી શકાય છે.
- સરકાર, ખાનગી એકમ અથવા તો સામાજિક સંસ્થાની જાહેર સેવાઓનો ઉપયોગ કરવો. જેમાં (1) સામાજિક સર્વિસ, (2) વ્યવસાયિક સર્વિસ, (3) ઘરેલું હિંસા વિશેની સર્વિસ (4) માનસિક આરોગ્ય સાથે સંકળાયેલી સર્વિસ (5) (ગૂનાનો ભોગ બનેલા) પીડિતોને અપાતી સર્વિસ
- જે પુત્ર કે પુત્રી એક જ ઘરમાં તેમના માતા-પિતા કે ભાઇ-બહેન સાથે ન રહેતા હોય, જે બાળકોના માતા અને પિતા અલગ અલગ રહેતા હોય, જે ભાઇ - બહેન સાથે નથી રહેતા તે સૌ વર્તમાન ગોઠવણ પ્રમાણે જ તેમના માતા-પિતા, અને ભાઇ – બહેનને મળી શકે છે.
- પૂજારી, ઘર્મના વડા અથવા ધાર્મિક સંસ્થાના સભ્ય કોઇ પણ વ્યક્તિના ઘરે પ્રાર્થના કરવા અથવા અન્ય વ્યક્તિની મદદ માટે જઇ શકે છે.
- ઇજા કે માંદગી અથવા કોઇ પણ જોખમમાંથી સ્વબચાવ માટે ઘરની બહાર આવવું.
- ઇમરજન્સી અથવા વ્યાજબી કારણોસર બહાર જઇ શકાય છે.