કહેવાય છે કે શીખવાની કોઇ ઉંમર હોતી નથી, માણસ ગમે ત્યારે કોઇ પણ વસ્તુ શીખી શકે છે. જરૂર છે તો ફક્ત તે માટેની ધગશ, અથાગ મહેનત તથા લગનની. મોટી ઉંમરે પોતાની કારકિર્દી બદલીને ફરીથી અભ્યાસની પ્રવૃત્તિમાં જોડાવાના બે કિસ્સા ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા છે.
પર્થમાં રહેતા નલિન ચાવડા (નામ બદલ્યું છે) તથા મેલબર્નમાં રહેતા અંકિત સોબતીના કિસ્સા પ્રેરણાદાયી છે. તેમણે પોતાના મૂળ વ્યવસાયને બદલે કોઇ નવો જ વ્યવસાય અપનાવવા માટે ફરીથી ભણવાનું શરૂ કર્યું અને અત્યારે બંને પોતપોતાના અભ્યાસમાં ડીગ્રી પ્રાપ્ત કરવા જઇ રહ્યા છે.
એન્જિનીયરીંગ છોડી ડોક્ટર બનવાનો નિર્ણય
પર્થમાં રહેતા નલિનભાઇએ 22 વર્ષની ઉંમરે પર્થની પ્રતિષ્ઠિત યુનિવર્સીટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાંથી એન્જિનીયરીંગની ડબલ ડીગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ તેમણે એન્જિનીયર તરીકે સાત વર્ષ નોકરી કરી હતી.જોકે તેમને એન્જિનીયર તરીકેની પોતાની કારકિર્દી દરમિયાન સમાજના બહોળા સમુદાય સાથે તાલમેલ જળવાતો ન હોવાનું લાગતું હતું. તેમણે પોતાની ડોક્ટર પત્ની સાથે વિચાર-વિમર્શ કરીને એન્જિનીયરીંગની નોકરીના 7 વર્ષ બાદ, 29 વર્ષની ઉંમરે ફરીથી અભ્યાસ શરૂ કરવાનું નક્કી કર્યું અને હાલમાં તેઓ ડોક્ટરની ડીગ્રી મેળવવાના આરે પહોંચ્યા છે.
Students studying in adult education classroom Source: Getty Images
નલિનભાઇના જણાવ્યા પ્રમાણે, તેમની ડોક્ટર પત્ની સાથે વારંવાર તેમના દર્દીઓ અને તેમની મુશ્કેલીઓ વિશે વાત થતી હતી તેથી ઘણી વખત એમ લાગતું હતું કે એન્જિનીયર તરીકેની નોકરીમાં ટીમમાં કામ તો થાય છે પરંતુ સમાજ માટે પૂરતું યોગદાન આપી શકાતું નથી.
"એન્જિનીયર તરીકેની નોકરીમાં સમાજ માટે ખાસ કઈ કરી શકતો ન હતો."
તેમણે લાંબો વિચાર કર્યા બાદ ફરીથી અભ્યાસ કરીને કારકિર્દી બદલવાનો નિર્ણય લીધો અને મેડિસીન કોર્સમાં દાખલ થવા માટેની એન્ટ્રન્સ પરીક્ષા આપી. પરીક્ષામાં પાસ થયા બાદ નલિનભાઇને યુનિવર્સિટીએ એડમિશનનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે નલિનભાઇએ ફરીથી ભણવા અંગે પોતે મક્કમ છે કે કેમ તેનો વિચાર કર્યો.
એન્જિનીયરીંગ બાદ ડોક્ટરનો અભ્યાસ ફાવશે કે કેમ તેની દ્વીધા વચ્ચે નલિનભાઇએ એડમિશન લઇને અભ્યાસ શરૂ કર્યો હતો.
અભ્યાસ દરમિયાન તેમને પડેલી તકલીફો અંગે નલિનભાઇએ જણાવ્યું હતું કે, "મને ઘણી તકલીફ પડી પરંતુ મેં એક જ લક્ષ્ય રાખ્યું છે, મનોરંજન, પરિવાર, સામાજિક જીવન થોડા સમય માટે દૂર રહીને માત્ર સંગીત તથા અભ્યાસ પર ધ્યાન આપું છું."
આવતા વર્ષે નલીનભાઇ અભ્યાસ પૂરો કરી ડોક્ટર બની જશે.
Image
એન્જિનીયરીંગ છોડીને સ્પોર્ટ્સ મેનેજમેન્ટનો અભ્યાસ
અન્ય એક કિસ્સો છે ભારતના અંકિત સોબતીનો કે જે લગભગ આઠ વર્ષ સુધી ભારતના બેંગલોર તથા પૂના જેવા શહેરોની પ્રખ્યાત ઇન્ફર્મેશન ટેક્નોલોજીની કંપનીઓમાં એન્જિનીયર તરીકે કામ કર્યા બાદ 33 વર્ષની વયે ઓસ્ટ્રેલિયા ભણવા માટે આવ્યા છે. તે પણ એન્જિનીયરીંગના ક્ષેત્રમાં જ નહીં, તદ્દન અલગ એવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટના અભ્યાસ માટે.
ઇન્ફર્મેશન ટેક્નોલોજીની જાણિતી કંપનીઓમાં ઉંચો હોદ્દો ધરાવતા હોવા છતાં પણ મોટી ઉંમરે, તદ્દન અલગ ક્ષેત્ર અપનાવવાના અઘરા નિર્ણય અંગે અંકિત સોબતીએ જણાવ્યું હતું કે, "મને નાનપણથી જ સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે વિશેષ લગાવ હતો."
"હું પહેલા ફૂટબોલ રમતો હતો પરંતુ એન્જિનીયર બન્યા બાદ ક્યારેય આગળ રમવાની તક મળી નહીં. મારે હંમેશાં સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાવવું હતું. મેદાન પર રમીને નહીં તો મેદાન બહાર તેનું મેનેજમેન્ટ કરીને."
Ankit Sobti, a student of Sports Management course in Melbourne. Source: Ankit Sobti
મોટી ઉંમરે અને એન્જિનીયર તરીકેની કારકિર્દી સેટ હોવા છતાં પણ વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવાના નિર્ણય માટે અંકિતને પરિવારનો પણ સહયોગ મળ્યો હતો.
અંકિત જણાવે છે કે, "મારા માતા-પિતાએ મને સહયોગ આપ્યો અને મેં 33 વર્ષની ઉંમરે ફરીથી એન્જિનીયરીંગથી તદ્દન અલગ જ એવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટના ક્ષેત્રમાં અભ્યાસ શરૂ કર્યો. હાલમાં હું મારા છેલ્લા સત્રમાં અભ્યાસ કરી રહ્યો છું અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટની ડીગ્રી મેળવીને આ ક્ષેત્રમાં જ કાર્ય કરવા માગું છું."
More stories on SBS Gujarati
પરિસ્થિતિને અનૂકુળ થઇ, મૂળભૂત અભ્યાસ છોડી અન્ય વ્યવસાયિક અભ્યાસ કરતાં ઓસ્ટ્રેલિયન ગુજરાતીઓ