વિક્ટોરીયામાં ઘરદીઠ 250 ડોલરની ચૂકવણી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
વિક્ટોરીયાના ઘરો તેમના વપરાશ પ્રમાણે વિજળી માટેની યોગ્ય સ્કીમ ખરીદે તે માટે સરકાર દરેક ઘરને 250 ડોલરની ચૂકવણી કરશે.
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે સોમવારે આ અંગે જાહેરાત કરી હતી.
તેમના જણાવ્યા અનુસાર, જુલાઇ 1થી વેબસાઇટ પર વિજળી અંગેની સરખામણી કરનારા તમામ ઘરોને 250 ડોલરની ચૂકવણી કરાશે.
આ યોજના જૂન 30, 2023 સુધી અમલમાં રહેશે.
યોજનાની જાહેરાત કરતી વખતે ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, વધી રહેલા જીવનનિર્વાહ ખર્ચને કાબૂમાં લાવવા માટે આ યોજના અમલમાં મૂકાશે.
યોજનાનો લાભ કોને મળશે
પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, વિજળીની યોગ્ય યોજના ધરાવનારા રાજ્યના તમામ રહેવાસીઓ તેનો લાભ લેવા માટે લાયક રહેશે.
વિક્ટોરીયન એનર્જી ક્મ્પેર વેબસાઇટ એ મફત તથા સ્વતંત્ર વેબસાઇટ છે જ્યાં વિજળીની સેવાઓની કિંમત અંગે સરખામણી થઇ શકે છે.
દરેક ઘરને એક વખત ચૂકવણી કરાશે પરંતુ, જે રહેવાસીઓ ઘર બદલશે તેઓ બીજી વખત પણ 250 ડોલર મેળવી શકશે.
પ્રીમિયર એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, એક જ ઘરમાંથી બે વ્યક્તિ ચૂકવણી માટે લાયક બનશે નહીં.
વર્તમાન સમયમાં 250 ડોલરના પાવર સેવિંગ બોનસ યોજનાનો લાયક લોકો, 30 જૂન 2022 સુધી લાભ મેળવી શકશે.
જેમાં સેન્ટરલિન્ક પેન્શનર કન્શેસન, જોબસિકર, યુથ એલાઉન્સ જેવી યોજનાનો લાભ લેતા લોકોનો સમાવેશ થાય છે.
અભ્યાસના તારણ પ્રમાણે, રાજ્યના દર 10માંથી 7 ઘર વિજળીની યોગ્ય રીતે ખરીદી કરે તો તેઓ વિજળીના બિલમાં વર્ષે 330 ડોલર જેટલી રકમ બચાવી શકે છે.
અને, આ યોજનાનો લાભ મેળવીને વર્ષે કુલ 580 ડોલરની બચત થશે.
યોજના ક્યારે શરૂ થશે
જુલાઇ 1, 2022થી વિક્ટોરીયન એનર્જી કમ્પેર વેબસાઇટ પર ચૂકવણી શરૂ થશે.
તે જૂન 30, 2023 સુધી ઉપલબ્ધ રહેશે.
કેવી રીતે અરજી કરી શકાય
યોજનાની શરૂઆત 1લી જુલાઇથી થશે પરંતુ વિક્ટોરીયાના રહેવાસીઓ આ કાર્યક્રમ શરૂ થાય તે માટે અત્યારથી જ રજીસ્ટ્રેશન કરી શકે છે.
ફોર્મમાં નામ, ઇમેલ તથા ફોન નંબર આપવાનો રહેશે.