વિક્ટોરિયન સરકારે ટોચના શિક્ષકો રાજ્યની પડકારજનક સ્કૂલમાં પોતાની સેવાઓ આપે તે માટે વિવિધ સ્કીમ્સ અમલમાં મૂકી છે.
આ માટે સરકાર દ્વારા 244.6 મિલિયન ડોલર જેટલું ફંડ ફાળવવામાં આવશે.
સરકારની નવી યોજના અંતર્ગત, ટોચના શિક્ષકો રાજ્યની સૌથી પડકારજનક સ્કૂલોમાં પોતાની સેવાઓ આપશે તેમને 50,000 ડોલર સુધીના પ્રોત્સાહનો આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે સપ્ટેમ્બર મહિનામાં જે શિક્ષકો રાજ્યના રીજનલ વિસ્તારોમાં આવેલી સ્કૂલમાં પોતાની સેવાઓ આપશે તેને 50,000 ડોલરનું પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી હતી.
આ ઉપરાંત, સતત ત્રણ વર્ષ સુધી તે જ સ્થાને નોકરી કરવા બદલ વાર્ષિક 9000 ડોલરનું વધારાનું વેતન પણ આપવા વિશે જણાવ્યું હતું.
વિક્ટોરિયાના શિક્ષણ મંત્રી જેમ્સ મેર્લિનોએ જણાવ્યું હતું કે રાજ્યના ઇતિહાસમાં શિક્ષણક્ષેત્રમાં એક ઐતિહાસિક નિર્ણય છે. શિક્ષકો વિદ્યાર્થીઓના જીવનનો પાયો નાંખે છે અને અમે તેમને યોગ્ય વળતર આપવા માટે આતુર છીએ.
શિક્ષણક્ષેત્રમાં નાણાંકિય રોકાણ કરવાથી વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા પણ મળી રહેશે તેમ મેર્લિનોએ જણાવ્યું હતું.
સરકારે જાહેર કરેલા પેકેજમાં વિવિધ પ્રોત્સાહનો માટે 41.7 મિલિયન ડોલર ફાળવાશે. આ ઉપરાંત, 25.2 મિલિયન ડોલર શિક્ષકોની ભરતી, સપોર્ટ માટે ખર્ચ થશે.