અમેરિકાની પેપ્સી કંપનીએ ગુજરાતના ચાર ખેડૂતો સામે કરેલો કેસ પરત લઇ લીધો છે. અગાઉ, કંપનીએ ખેડૂતો પર તેમણે પેટન્ટ કરાવેલા બટાકાનું ઉત્પાદન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
પેપ્સીએ તેમની સામે વિરોધ શરૂ થયા બાદ આ પગલું લીધું હોવાનું મનાય છે. અગાઉ, કંપનીએ ખેડૂતો સામે માંગણી કરી હતી કે તેઓ ચોક્કસ પ્રકારના બટાકાનું ઉત્પાદન બંધ કરે અથવા તેમની સાથે જે-તે જાતના બટાકાનું વાવેતર કરવાનો કરાર કરે.
પેપ્સી કંપની કેસ પરત લેવાના નિર્ણયને એલાયન્સ ફોર સસ્ટેનેબલ એન્ડ હોલિસ્ટીક એગ્રીકલ્ચર (ASHA) સંસ્થાએ આવકાર્યો હતો.
તેમણે નિવેદનમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના હક માટે લડતી સંસ્થા આ નિર્ણયને આવકારે છે.
ઉલ્લેખનીય છે કે, પેપ્સી કંપનીએ ભારતીય બજારોમાં 1989માં પ્રવેશ કર્યો હતો અને ભારતના પંજાબ રાજ્યમાં રીસર્ચ તથા અન્ય સુવિધા સાથેનો પ્લાન્ટ શરૂ કર્યો હતો. કંપની આ પ્લાન્ટથી જ વિદેશી તથા ભારતીય ખેડૂતોને Lay’s ચીપ્સ માટે બટેકાની ખેતી કરવાના બીજ ઉપલબ્ધ કરાવે છે.
![Indian farm labourers work on a potato farm in a field in Isanpur village some 40km from Ahmedabad on November 28, 2018.](https://images.sbs.com.au/drupal/yourlanguage/public/potato.jpg?imwidth=1280)
Source: SAM PANTHAKY/AFP/Getty Images
કંપનીએ SBS Hindi ને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કાયદેસર રીતે FC5 બટેકાની ખેતી કરી પેપ્સી કંપની સાથે જોડાયેલા હજારો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.
જોકે, કંપની પર ખેડૂતોના હક માટે કામ કરતી સંસ્થાઓનું દબાણ વધતા તેણે કેસ પરત લેવા અને ખેડૂતો સાથે સમાધાન કરવાની તૈયારી દર્શાવી હતી.
વળતરની માંગ
ASHA ના જણાવ્યા પ્રમાણે, કંપનીએ ખેડૂતો સામે કરેલો કેસ પરત લઇ લીધો છે પરંતુ કંપનીએ ખેડૂતોને જે માનસિક ત્રાસ આપ્યો તેના બદલામાં તેમણે માફી માંગવી જોઇએ. આ ઉપરાંત, ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડવા બદલ પેપ્સી કંપનીને દંડ તથા ખેડૂતોને વળતર પણ મળવું જોઇએ.
ભવિષ્યમાં ખેડૂતોના હિતને કોઇ સંસ્થા હાનિ ન પહોંચાડે તે સરકારે સુનિશ્ચિત કરવું જોઇએ, તેમ સંસ્થાએ ઉમેર્યું હતું.