ગુજરાતી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં ઘણા લોકગાયક આવ્યા અને તેમણે પોતાના એક અલગ છાપ છોડી, પોતાનો એક અનોખો ચાહક વર્ગ ઉભો કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતી ગીતોની દુનિયામાં જીગ્નેશ કવિરાજ એક લોકપ્રિય ગાયક તરીકે બહાર આવ્યા છે. તો આવો જાણીએ લોકપ્રિયતા મેળવવા સુધી કારકિર્દીના તેમના શરૂઆતના દિવસો દરમિયાનનો સંઘર્ષ, મહેનત અને અન્ય રસપ્રદ માહિતી.
અલગ અંદાજના ગીતો
જીગ્નેશ કવિરાજના ગીત સામાન્ય ફિલ્મી ગીતોથી થોડા અલગ અંદાજના હોય છે અને તે અંગે વાત કરતા જીગ્નેશે SBS Gujarati ને જણાવ્યું હતું કે, "લોકોને વિવિધ પ્રકારના ગીતો સાંભળવાનો રસ હોય છે, કોઇ ગરબાનું શોખીન હોય છે જ્યારે કોઇને ગીતો અથવા કોઇને અન્ય ફિલ્મી ગીતો પસંદ હોય છે.
અત્યારની પેઢીને હિન્દી ફિલ્મોમાં "બેવફા" ના ગીતો વધુ પસંદ આવે છે તેથી મેં એવા ગીત ગુજરાતીમાં ગાવાનું શરૂ કર્યું અને તેમાં ઘણી લોકપ્રિયતા મેળવી."
શરૂઆતનો સંઘર્ષ
ઉત્તર ગુજરાતના ખેરાલું ગામના વતની જીગ્નેશના જણાવ્યા પ્રમાણે તેમના પરિવારમાં તેમના પિતા તથા મોટાભાઇ બંને લોકગીતો સાથેના વ્યવસાયમાં જોડાયેલા હતા. તેથી જિગ્નેશને પણ નાનપણથી જ ગાવાનો શોખ રહ્યો હતો.
નાનપણમાં પરિવારના સભ્યો સાથે વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સમાં જતા હતા ત્યારે પણ તેઓ એકાદ ગરબો ગાઇને પોતાની પ્રતિભાનો પરચો આપતા હતા.
પ્રથમ ગીત
ગુજરાતી લોકગીતોના લોકપ્રિય ગાયક એવા મણીરાજ બારોટ પાસેથી પ્રેરણા મેળવ્યા બાદ એક લગ્ન દરમિયાન તેમને ગીત ગાવાની તક મળી અને લોકગીતોની દુનિયામાં તેમનો પ્રવેશ થયો હતો. તેમ જીગ્નેશે જણાવ્યું હતું.
જિગ્નેશ કવિરાજે અત્યારે સુધીમાં 200થી વધારે આલ્બમ્સમાં ગીતો ગાયા છે જ્યારે 10 જેટલી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ પણ કરી છે.