વિશ્વમાં કોરોનાવાઇરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરતો જાય છે અને તેના કારણે ઓસ્ટ્રેલિયન્સમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.
આગામી સમયમાં કોરોનાવાઇરસ કાબૂ બહાર જતો રહે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાશે તેવા ડરના કારણે લોકો જથ્થાબંધ ખરીદી કરી રહ્યા છે.
મેલ્બર્નમાં પટેલ ટ્રેડિંગ નામનો સ્ટોર ધરાવતા મયંક પટેલના જણાવ્યા પ્રમાણે, લોકોએ ગભરાવાની કોઇ જરૂર નથી અને આગામી દિવસોમાં તમામ ચીજવસ્તુઓ આસાનીથી મળી રહેશે.
Source: Supplied
500 ડોલર સુધીનું બિલ
મયંકના જણાવ્યા મુજબ, જે પરિવાર સામાન્ય દિવસોમાં તેમના સ્ટોરમાંથી 50 ડોલર સુધીના કરિયાણાની ખરીદી કરતો હતો તે હાલમાં કોરોનાવાઇરસના કારણે ગભરાઇને ઘરમાં જરૂર ન હોય તો પણ વસ્તુઓ ખરીદી રહ્યો છે. અને, 500 ડોલરનું બિલ સામાન્ય થઇ ગયું છે.
કઇ ચીજવસ્તુઓની વધુ માંગ
હાલમાં લોકોના મનમાં એક ડર છે કે બહારથી આવી રહેલી ચીજવસ્તુઓ બંધ થઇ જશે અને ઘરમાં કરિયાણાની અછત સર્જાશે. જેના કારણે તેઓ અનાજ, ચોખા, તેલ તથા લોટની જરૂર કરતા પણ વધારે ખરીદી કરીને ઘરમાં સંગ્રહ કરી રહ્યા છે.
Panic-buying resulted in near-empty shelves at most Indian grocery shops in Melbourne. Source: Supplied
લોકોમાં જાગૃતિ જરૂરી
મયંકે જણાવ્યું હતું કે તેમના સ્ટોરમાં જરૂરિયાત કરતા વધુ સામાનની ખરીદી કરતા ગ્રાહકોને સમજાવવામાં આવે છે આ ઉપરાંત તેમણે સ્ટોરમાં તથા કાઉન્ટર પર વધુ પડતો સ્ટોક ન કરવાની વિનંતી કરતી નોટિસ પણ મૂકી છે.
મંયકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે જેટલી ખરીદી કરી રહ્યા હોય તેટલી જ ખરીદી કરવી જોઇએ. અફવાથી પ્રેરાઇને વધુ પ્રમાણમાં ખરીદી કરવાથી માંગ વધી રહી છે અને વસ્તુઓ ખાલી થઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે. અગાઉ સામાન્ય રીતે જે પ્રમાણમાં માલ સામાન ઓસ્ટ્રેલિયા આવતો હતો એટલા પ્રમાણમાં જ અત્યારે પણ આવી રહ્યો છે. તેથી ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી.