ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં 1લી જૂનથી 30 જૂન સુધી રસી મફતમાં ઉપલબ્ધ થશે.
6 મહિનાથી મોટી ઉંમરના તમામ રહેવાસીઓ રસી મેળવી શકશે.
અગાઉ, વધુ જોખમ ધરાવતા અમુક ચોક્કસ વર્ગને જ મફત રસી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પરંતુ રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી કેરી ચાન્ટે જણાવ્યું હતું કે રાજ્યમાં ફ્લુના કેસની સંખ્યા વધતા તમામ રહેવાસીઓને મફતમાં રસી આપવાનો નિર્ણય લેવાયો છે.ક્વીન્સલેન્ડ
Residents in NSW can get free flu vaccine until June 30. Source: Supplied by: New South Wales Government
ક્વીન્સલેન્ડમાં 6 મહિનાથી મોટી ઉંમરના તમામ રહેવાસીઓ મફતમાં ઇન્ફ્લુએન્ઝાની રસી મેળવી શકશે.
સરકારે આ રસી મફતમાં મેળવવાની અવધિ 30મી જૂન સુધી રાખી છે.
રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝા-એ ના કેસમાં વધારો થતા સરકારે મફત રસી આપવાનો નિર્ણય લીધો હતો.
પ્રીમિયર એનાસ્ટેસિયા પેલાશયે જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને ઇન્ફ્લુએન્ઝા સામે સુરક્ષિત રાખવા તથા હોસ્પિટલમાં કેસની સંખ્યા ન વધે તે માટે મફતમાં રસી અપાશે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં પણ રહેવાસીઓને મફતમાં રસી આપવાનો નિર્ણય લેવાયો છે.
એન્ડ્ર્યુસ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર જૂન મહિનામાં રાજ્યના રહેવાસીઓ ઇન્ફ્લુએન્ઝાની મફત રસી મેળવી શકશે.
સરકારના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં એક જ અઠવાડિયામાં કેસની સંખ્યામાં 30 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે.
રાજ્યમાં 3000થી વધુ જીપી ક્લિનીક્સ તથા કમ્યુનિટી ફાર્મસીમાં મફતમાં રસી ઉપલબ્ધ થશે.
છ મહિનાથી મોટી ઉંમરના રાજ્યના રહેવાસીઓ 1થી 30 જૂન સુધી રસી મેળવી શકે છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં પણ છ મહિનાથી મોટી ઉંમરના લોકો 1થી 30 જૂન સુધી રસી મેળવી શકે છે.
રાજ્યના આરોગ્ય વિભાગે Free Jab June પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યના રહેવાસીઓને રસી અપાશે.
આરોગ્ય મંત્રી એમ્બર - જેડ સેન્ડરસને જણાવ્યું હતું કે, અગાઉથી જ સરકારે વિવિધ સમુદાયો માટે મફત રસી આપવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.
પરંતુ, હવે આ અભિયાનમાં તમામ લોકોને આવરી લેવામાં આવશે.
સાઉથ ઓસ્ટ્રેલિયા
સાઉથ ઓસ્ટ્રેલિયાના 6 મહિનાથી મોટી ઉંમરના રહેવાસીઓ 30 જૂન સુધી મફતમાં રસી મેળવી શકશે.
રાજ્યના પ્રીમિયરે જણાવ્યું હતું કે, રાજ્યમાં 5 મિલિયન ડોલરના ખર્ચથી મફત રસીકરણનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે.
તાસ્મેનિયા
તાસ્મેનિયાની સરકારે અગાઉ અમુક ચોક્સ સમુદાય માટે જ મફતમાં રસી આપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ, હવે 6ઠ્ઠી જૂનથી તાસ્મેનિયાના 6 મહિનાથી મોટી ઉંમરના તમામ રહેવાસીઓ મફતમાં રસી મેળવી શકશે.
6 મહિના કે તેથી મોટી ઉંમરના લોકો રાજ્યના જીપી તથા સરકાર દ્વારા ચલાવવામાં આવતા કમ્યુનિટી ક્લિનીક્સમાં અને 10 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો નક્કી કરેલી ફાર્મસીમાં રસી મેળવી શકશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરેટરી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરેટરી સરકાર કન્સેશન કાર્ડધારકોને મફતમાં ફ્લુની રસી ઉપલબ્ધ કરાવશે.
ટેરેટરીના આરોગ્ય મંત્રી રેચલ સ્ટીફન સ્મિથે જણાવ્યું હતું કે, રહેવાસીઓમાં કેસની સંખ્યા વધતા સરકારે રસી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરેટરીએ અન્ય રાજ્યોની જેમ તમામ રહેવાસીઓને નહીં પરંતુ અમુક ચોક્કસ સમુદાયને જ મફત રસી આપવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ, નોધર્ન ટેરેટરીમાં ફ્લુના કેસની સંખ્યા વધી હોવા છતાં પણ સરકારે મફતમાં રસી નહીં આપવાનો નિર્ણય લીધો છે.
મળતી માહિતી પ્રમાણે, ટેરેટરીમાં છેલ્લા 5 વર્ષના ઇન્ફ્લુએન્ઝાના સૌથી વધુ કેસ વર્તમાન સિઝનમાં નોંધાયા છે.
નવા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, નોધર્ન ટેરેટરીમાં અત્યાર સુધીમાં 2162 ફ્લુ કેસ નોંધાયા છે પરંતુ, મુખ્યમંત્રી નતાશા ફાયલ્સે જણાવ્યું હતું કે, સરકારની વર્તમાન ઇન્ફ્લુએન્ઝા રસીની પોલિસીમાં ફેરફાર કરવાની કોઇ યોજના નથી.