ઓસ્ટ્રેલિયન એનર્જી માર્કેટ ઓપરેટર્સના (AEMO) ઇલેક્ટ્રીસિટી સ્ટેટમેન્ટના જણાવ્યા પ્રમાણે આગામી ઉનાળામાં વિજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે વધુ વિજળીની આવશક્યતા છે. એક સાથે ઘણા બધા ક્ષેત્રોમાં જો વિજળીનો પૂરવઠો પૂરો પાડવામાં આવે તો કેટલાક સ્થાનો પર ઉનાળા દરમિયાન અચાનક વિજ કાપની પરિસ્થિતી સર્જાય તેવી શક્યતા છે.
આ ઉનાળા દરમિયાન વિક્ટોરિયા રાજ્યમાં Loy Yang A2 અને Mortlake 2 પાવર સ્ટેશનમાંથી કરવામાં આવતા વિજ સપ્લાય પર જો વિજ કાપ કરવામાં આવે તો રાજ્યના લગભગ 1.3 મિલિયન ઘરોએ વિજળીથી વંચિત રહેવું પડશે.
જોકે, જે રાજ્યો રાષ્ટ્રીય ઇલેક્ટ્રીસિટી માર્કેટ દ્વારા વિજ પૂરવઠો મેળવે છે તેમને આ ઉનાળામાં વિજ કાપની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. લિડ્ડેલ ખાતેનું પાવર સ્ટેશન આંશિક રીતે બંધ થવાના કારણે તથા જનરેટરના વધુ પડતા વપરાશના કારણે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં પણ વિજ કાપની પરિસ્થિતી સર્જાઇ શકે છે.રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આગામી ત્રણ વર્ષોમાં નવા પાવર જનરેશન પ્રોજેક્ટ્સનું નિર્માણ કરાશે પરંતુ, રીન્યુએબલ એનર્જી આધારિત નવા પોજેક્ટ્સ દ્વારા પણ મર્યાદિત વિજળી જ ઉત્પન્ન કરી શકાશે.
A general view of the Bayswater coal-fired power station cooling towers and electricity distribution wires in Muswellbrook Source: AAP
AEMO ના ચીફ ઔડ્રી ઝીબેલ્માને જણાવ્યું હતું કે આગામી સમયમાં સસ્તા દરથી વિજળી આપી શકાય તે માટે અત્યારથી જ યોગ્ય આયોજન અને રોકાણની જરૂર છે. વર્તમાન સમયમાં હજારો ઘરો અને ઉદ્યોગોએ ઉનાળામાં વિજળીનો યોગ્ય પ્રમાણમાં પૂરવઠો મળી રહે તે માટે નવા સંસાધનો વિકસાવવા પડે છે જે તમામને પોષાય તેમ હોતું નથી.
હાલમાં દેશમાં રહેલી વિવિધ પ્રકારની ટેક્નોલોજી અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયાના નાગરિકોને સસ્તા દરથી તથા યોગ્ય માત્રામાં વિજળી મળી રહે તે સરકારે સુનિશ્ચિત કરવું જોઇએ, તેમ ઔડ્રીએ ઉમેર્યું હતું.
બીજી તરફ, ક્લાઇમેટ કાઉન્સિલે જણાવ્યું હતું કે વિક્ટોરિયામાં ઊનાળા દરમિયાન થનારો વિજ કાપ વિવિધ પાવર સ્ટેશનની નિષ્ક્ર્રીયતાના કારણે થઇ શકે છે. તેથી જ, આગામી સમયમાં દેશમાં સોલર અને વિન્ડ પાવરની મદદથી રીન્યુએબલ એનર્જી વિકસાવવાના પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપવું જોઇએ.