ઓસ્ટ્રેલિયાના કેન્દ્રીય ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે મંગળવારે રાત્રે આગામી નાણાકિય વર્ષે 2022-23 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.
જેમાં વેપાર, આરોગ્ય, શિક્ષણ, પેટ્રોલની વધતી જતી કિંમતો સામે રાહત તથા દેશમાં માઇગ્રેશન કાર્યક્રમ સહિતની બાબતો અંગે નિર્ણય લેવાયા હતા.
કેન્દ્રીય સરકારે આગામી નાણાકિય વર્ષ 2022-23 માટે દેશમાં માઇગ્રેશનની સંખ્યા નક્કી કરી હતી અને વિવિધ વિસાશ્રેણી અંતર્ગત ફેરફારોની જાહેરાત કરી હતી.
દેશમાં વર્ષ 2022-23 નાણાકિય વર્ષમાં કુલ કાયમી માઇગ્રેશનની સંખ્યા છેલ્લા 3 વર્ષની જેમ 1,60,000 રાખવાનું સરકારે નક્કી કર્યું છે.
પરંતુ સ્કીલ્ડ માઇગ્રેશનની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આગામી નાણાકિય વર્ષમાં સ્કીલ્ડ માઇગ્રેશનની સંખ્યા 109,000 રહેશે તેમ ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે જણાવ્યું હતું.અગાઉ વર્ષે 2021-22 માટે સ્કીલ્ડ માઇગ્રેશનની સંખ્યા 79,600 હતી. તેમાં વાર્ષિક 30,300 સંખ્યાનો વધારો કરવામાં આવ્યો છે.
Australia's migration planning level for the financial year 2022-23. Source: Department of Home Affairs
ઓસ્ટ્રેલિયામાં આગામી એક વર્ષમાં થનારા કુલ માઇગ્રેશનમાં 70 ટકા સંખ્યા સ્કીલ્ડ માઇગ્રેશનને ફાળવવામાં આવી છે.
માઇગ્રેશનની નવી સંખ્યા અંગે વાત કરતા ઓસીઝ ગ્રૂપના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે જણાવ્યું હતું કે, સ્કીલ્ડ માઇગ્રેશનમાં વિસાની સંખ્યાનો વધારો કર્યો છે. આ વર્ષે ગત નાણાકિય વર્ષની સરખામણીમાં લગભગ 30,000 વધુ સ્કીલ્ડ વિસા આપવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના વર્ષોમાં કેન્દ્ર સરકારે વર્ષ 2022-23માં સ્કીલ્ડ વિસાની સંખ્યામાં વધારો કરશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત, કોરોનાવાઇરસની મહામારીના કારણે દેશમાં કુશળ કામદારોની અછત સર્જાઇ હોવાથી સરકારે સ્કીલ્ડ માઇગ્રેશન અંતર્ગત 30,300 જેટલી સંખ્યા વધારી હોવાની શક્યતા છે.
ફેમિલી વિસાની સંખ્યા ઘટી
આગામી નાણાકિય વર્ષ માટે દેશના સામાન્ય બજેટમાં વિવિધ વિસાશ્રેણી અંતર્ગત ફાળવવામાં આવતા વિસાની સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્ષ 2021-22ની સરખામણીમાં ફેમિલી વિસાની સંખ્યા ઘટાડવામાં આવી છે.
સૌથી મોટો ઘટાડો પાર્ટનર વિસાની સંખ્યામાં કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2021-22 માટે પાર્ટનર વિસાની સંખ્યા 72,300 હતી. તેને ઘટાડીને 40,500 કરવાનો સરકારે નિર્ણય લીધો છે.
સરકારે પાર્ટનર વિસા માટે ફાળવવામાં આવેલા 10,000 વિસાને સ્કીલ્ડ કાર્યક્રમમાં ઉમેર્યા છે.
જોકે, પેરેન્ટ વિસાની સંખ્યા 4500માંથી વધારીને 6000 કરવામાં આવી છે.
ચાઇલ્ડ વિસા તથા અન્ય ફેમિલી વિસાની સંખ્યા અનુક્રમે 3000 અને 500 રાખવામાં આવી છે.
કુલ ફેમિલી વિસાની સંખ્યા 77,300 હતી. જેને 2022-23 નાણાકિય વર્ષ માટે ઘટાડીને 50,000 કરવામાં આવી છે.
સરકારે હ્યુમેનિટેરીયન વિસાની સંખ્યા 13,750 જેટલી નક્કી કરી છે.
વિસા ફીમાં છૂટછાટ
કોરોનાવાઇરસની મહામારીના કારણે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરવામાં આવી હતી. અને, તેના કારણે વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સરકારે વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવે તે માટે વિસા ફી રીફંડ કરવાની પણ જાહેરાત કરી હતી. જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ 19મી માર્ચ તથા વર્કિંગ હોલિડેમેકર્સ વિસાધારકો 19મી એપ્રિલ સુધીમાં ઓસ્ટ્રેલિયા આવ્યા હશે તેમને વિસા ફી રીફંડ મળશે તેમ સરકારે અગાઉ નિર્ણય લીધો હતો.
કેન્દ્ર સરકારે દેશ પ્રમાણે વર્ક તથા હોલિડે વિસાની સંખ્યામાં પણ 30 ટકા જેટલો વધારો કર્યો છે. જે અંતર્ગત 2022-23 નાણાકિય વર્ષમાં 11,000 બેકપેકર્સ ઓસ્ટ્રેલિયા આવી શકશે.