કોરોનાવાઇરસના કારણે મુસીબતનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયન્સને સહાય પેટે કેન્દ્ર સરકારે 130 બિલિયન ડોલરના પેકેજની સોમવારે જાહેરાત કરી હતી.
જે અંતર્ગત સરકાર બિઝનેસને નોકરીમાંથી છૂટા કરેલા તેમના કર્મચારીઓને પગાર પેટે ચૂકવવા માટે 1500 ડોલરની રકમ આપશે.
આ પેકેજમાં ઓસ્ટ્રેલિયાના નાગરિકો, પર્મેનન્ટ રેસીડેન્ટ્સ અને સેન્ટરલિન્કની ચૂકવણી મેળવવા માટે અયોગ્ય એવા ન્યૂઝીલેન્ડના નાગરિકોનો પણ સમાવેશ કરાયો છે. પરંતુ, વિવિધ વિસા શ્રેણી હેઠળ કામચલાઉ રીતે ઓસ્ટ્રેલિયામાં રહેતા લગભગ 1 મિલિયન જેટલા લોકોને આ લાભ મળશે નહીં.
તેથી જ, ધ ફેડરેશન ઓફ એથનિક કમ્યુનિટીસ કાઉન્સિલ્સ ઓફ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે સરકારને આ સબ્સિડીમાં ટેમ્પરરી વિસાધારકોનો પણ સમાવેશ કરવાની માંગ કરી હતી.
સંસ્થાના પ્રમુખ મોહમ્મદ અલ – ખફાજે જણાવ્યું હતું કે, સરકારે મુશ્કેલીના આ સમયમાં લોકોને મદદ મળી રહે તે માટે પેકેજ જાહેર કર્યું તે પ્રશંસનીય છે પરંતુ સરકારે વિવિધ વિસા શ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોનો પણ આ પેકેજમાં સમાવેશ કરવો જોઇએ.
દેશમાં અર્થતંત્રમાં તેમનો પણ ફાળો હોવાથી સરકારે તે અંગે કંઇ વિચારવું જોઇએ, તેમ મોહમ્મદ અલ – ખફાજે ઉમેર્યું હતું.
બીજી તરફ, મેલ્બર્ન સ્થિત માઇગ્રન્ટ વર્કર્સ સેન્ટરના ડાયરેક્ટર મેટ્ટ કુન્કેલે સરકારની આ નીતિનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોરિસન સરકારે દેશના નાગરિકો જેટલો જ સહયોગ આપનારા કામચલાઉ વિસાધારકોને પેકેજમાંથી બહાર ન કરવા જોઇએ.
વડાપ્રધાનનો સ્પષ્ટ જવાબ
સોમવારે પેકેજની જાહેરાત કરતી વખતે કામચલાઉ વિસાધારકોને સબ્સિડીમાં સમાવાશે કે તેમ તે અંગે પૂછવામાં આવેલા સવાલમાં વડાપ્રધાન સ્કોટ મોરિસને “ના” કહીને તેનો પ્રત્યુત્તર આપ્યો હતો.
જોકે, 444 વિસા હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા ન્યૂઝીલેન્ડના નાગરિકોને આ સબ્સિડીનો લાભ મળશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, તેઓ અહીંના વેપાર – ધંધા સાથે સંકળાયેલા છે, મિલકતો ખરીદે છે અને અર્થતંત્રમાં સહયોગ આપતા હોવાથી તેમનો સમાવેશ કરાયો છે.
SBS News એ આ મામલે ટ્રેઝરર જોશ ફ્રેડનબર્ગના નિવેદન માટે તેમની ઓફિસનો સંપર્ક કર્યો હતો.