3 મહિનાથી પણ વધુ સમય સુધી લોકડાઉન હેઠળ રહ્યા બાદ ગ્રેટર સિડની સોમવાર 11મી ઓક્ટોબરથી ખુલી ગયું છે અને, વેપાર - ઉદ્યોગોએ કાર્ય શરૂ કર્યું છે.
પરંતુ, માર્ચ 2020માં જ્યારે ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી ત્યારથી વિવિધ વેપાર - ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાઇ છે. તેથી જ, સરકાર સામે આંતરરાષ્ટ્રીય સરદહો શરૂ કરવા તથા માઇગ્રેશનના કુલ આંકને વધારવાની માંગ વધી છે.
મહામારી બાદ સૌથી ઓછું સ્થળાંતર
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના આંકડા પ્રમાણે, માર્ચ 2020માં ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થયા બાદ દેશની વસ્તી 35,700 જેટલી વધી છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં તે સૌથી ઓછો આંક છે.
વિદેશથી થતા સ્થળાંતરમાં નકારાત્મક અસર જોવા મળી છે. અને તેમાં 95,300 જેટલો ઘટાડો થયો છે.કામદારોની અછત
The closure of international borders has had a significant impact on the total growth of the Australian population. Source: ABS
ઓસ્ટ્રેલિયાના વેપાર - ઉદ્યોગો કોવિડ-19 મહામારી અગાઉ પણ કામદારોની અછતનો સામનો કરી રહ્યા હતા અને વર્તમાન સમયમાં સરહદો બંધ હોવાના કારણે તેમની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે.
UTS Business School ના પ્રોફેસર જોક કોલિન્સે SBS Newsને જણાવ્યું હતું કે, કુશળતા ન ધરાવતા હોય તેવા કર્મચારીઓ તથા અતિકુશળ વ્યવસાયિકો તમામ પર ઓસ્ટ્રેલિયા આધારિત છે.
બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમિનીક પેરોટેયે આંતરરાષ્ટ્રીય સરહદો ખોલવા અંગે ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરહદો ખોલીને કુશળ કર્મચારીઓને ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કરવા માટે આકર્ષવા જરૂરી છે. જો ઓસ્ટ્રેલિયા તેમ નહીં કરે તો કુશળ કર્મચારીઓ અન્ય દેશોમાં સ્થળાંતર કરશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2019માં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની ચૂંટણી દરમિયાન ભૂતપૂર્વ પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને માળખાગત સુવિધામાં મુશ્કેલી અને ટ્રાફિકની સમસ્યાનું કારણ દર્શાવીને રાજ્યમાં થઇ રહેલા સ્થળાંતરને 50 ટકા જેટલું ઓછું કરવા જણાવ્યું હતું.ઓસ્ટ્રેલિયામાં માઇગ્રેશનનું સ્તર વધશે?
NSW Premier Dominic Perrottet. Source: AAP
ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ રીવ્યુના જણાવ્યા પ્રમાણે, પ્રીમિયર પેરોટેયને ઉચ્ચ અધિકારીઓએ માઇગ્રેશનનું સ્તર ઉંચુ રાખવા જણાવાયું છે. આગામી 5 વર્ષમાં સ્થળાંતરનો આંક 2 મિલીયન થાય તેવી શક્યતા છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ વર્ષ 1945 પછીના 15 વર્ષોમાં લગભગ 1.2 મિલીયન લોકોએ ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યું હતું.
જેના કારણે ઓસ્ટ્રેલિયાના અર્થતંત્ર તથા વસ્તીમાં વૃદ્ધિ નોંધાઇ હતી, તેમ પ્રોફેસર કોલિન્સે જણાવ્યું હતું.
કોલિન્સે ઉમેર્યું હતું કે, વિશ્વ યુદ્ધના સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં કર્મચારીઓની અછત સર્જાઇ હતી, તેવી જ પરિસ્થીતીનો હાલમાં ઓસ્ટ્રેલિયા સામનો કરી રહ્યું છે. તેથી જ માઇગ્રેશનના સ્તરને ઉંચુ કરી આ સમસ્યાનો હલ લાવી શકાય તેમ છે.
પરંતુ, જો સ્થળાંતરનું સ્તર વધશે તો તેની સાથે સરકારે માળખાગત સુવિધા, ઘર, જાહેર વાહન વ્યવહાર તથા અન્ય સેવાઓમાં પણ વધારો કરવો પડશે તેમ કોલિન્સે સલાહ આપી હતી.