આગામી કેટલાક દિવસોમાં કેન્દ્રીય સરકાર સ્કીલ્ડ માઇગ્રેશન લિસ્ટમાં ફેરફાર કરશે. જેમાં કેટલાક વ્યવસાયોનો સમાવેશ થશે અને કેટલાક વ્યવસાયોની લિસ્ટમાંથી બાદબાકી કરવામાં આવશે.
હેરડ્રેસિંગ ઉદ્યોગને પણ લિસ્ટમાંથી બાદ કરવામાં આવે તેવો ભય ફેલાયો છે. ત્યારે આ ઉદ્યોગમાં સ્કીલ્ડ વર્કર્સની અછત સર્જાશે તેમ લાગી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન હેરડ્રેસિંગ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, જો કેન્દ્રીય સરકાર હેરડ્રેસિંગના વ્યવસાયને સ્કીલ્ડ માઇગ્રેશન લિસ્ટમાંથી બાદ કરશે તો હજારો લોકો નોકરી વગરના થઇ જશે.
કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, લગભગ 450 જેટલા માઇગ્રન્ટ્સ સિડની, મેલ્બર્ન અને બ્રિસબેનમાં હેરડ્રેસર તરીકે કામ કરે છે. તેમના વિસા પૂરા થશે તે પછી તેમણે વતન પરત જવા મજબૂર થવું પડશે
સીઇઓ સેન્ડી ચોંગના જણાવ્યા પ્રમાણે, સરકારે તેમની સાથે વાર્તાલાપ કર્યો છે. પરંતુ તેઓ હેરડ્રેસિંગને લિસ્ટમાંથી હટાવી દે તેવો ભય લાગી રહ્યો છે.
ચોંગે ઉમેર્યું હતું કે માત્ર 28 ટકા ઓસ્ટ્રેલિયન્સ જ કોર્સ પૂરો કર્યા બાદ એપ્રેન્ટાઇસશીપ પૂરી કરતા હોવાથી દેશમાં આ ક્ષેત્રના સ્કીલ્ડ માઇગ્રન્ટ્સની અછત સર્જાય છે.
રીની બાલ્ટોવ સિડનીમાં બે દુકાનના માલિક છે. તે જણાવે છે કે તેઓ હજી પણ ત્રીજી દુકાન લેવા માટે વિચારી રહ્યા છે પરંતુ હવે તેમને સ્ટાફ નહીં મળે તેવો ડર છે.
કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે, જે વેપાર ઉદ્યોગો સિડની, મેલ્બર્ન અને બ્રિસબેનમાં કાર્યરત છે તેઓ સ્પોન્સર માઇગ્રન્ટ વર્કર્સ દ્વારા અરજી કરી શકે છે અને તેમને લેબર એગ્રીમેન્ટ દ્વારા નોકરી પર રાખી શકે છે.
બાલ્ટોવે દલીલ કરી હતી કે તેઓ આ પ્રક્રિયા અંગે વિચારી નથી રહ્યા કારણ કે નાના વેપાર ઉદ્યોગ માટે કાયદાકીય અને નાણાકિય ખર્ચા કરવા પરવડે તેમ નથી.
બ્રિટીશ માઇગ્રન્ટ રાફ થોડોયુલોયુ બાર્બર શોપમાં કામ કરે છે. તેણે ઓસ્ટ્રેલિયામાં પોતાનું જીવન શરૂ કરી દીધું છે અને તે હવે અહીંથી જવા માંગતો નથી.
માઇગ્રન્ટ રીસોર્સ સેન્ટરના સીઇઓ મેલિસા મોન્ટેરીયોએ જણાવ્યું હતું કે સરકાર હેરડ્રેસિંગના વ્યવસાયની લિસ્ટમાંથી બાદબાકી ન કરે તેવી આશા છે.