ઓસ્ટ્રેલિયાના એક મોટા વેપાર સમૂહે દેશમાં કોવિડ-19 મહામારી બાદ સ્કીલ્ડ માઇગ્રેશનના કુલ સ્તરને વધારવાની માંગને સમર્થન આપ્યું છે.
ઓસ્ટ્રેલિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ACCI) એ દેશના અર્થતંત્રને મહામારીમાંથી બેઠું કરવા માટે સ્કીલ્ડ માઇગ્રેશનની સંખ્યા વધારવા માટે જણાવ્યું છે.
માર્ચ 2020માં ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થયા બાદ દેશના વિવિધ વેપાર - ઉદ્યોગોમાં કુશળ કામદારોની અછત સર્જાઇ છે.
ACCIએ વર્ષ 2050માં દેશના આર્થિક સ્તરને ઉંચુ લાવવા માટેના 10 લક્ષ્યાંકો સાથેની “Better Australia” રણનીતિ પ્રસ્તુત કરી હતી.
જેમાં દેશના વિવિધ ક્ષેત્રોમાં કુશળ કર્મચારીઓની અછતના પ્રશ્નનું સમાધાન લાવવા જણાવાયું છે.
સંસ્થાના ચીફ એક્સીક્યુટીવ એન્ડ્ર્યુ મેકકેલરે SBS Newsને જણાવ્યું હતું કે દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં 200,000 સ્કીલ્ડ માઇગ્રન્ટ્સનું સ્તર નક્કી કરવું જરૂરી છે. જેના દ્વારા દેશનું અર્થતંત્ર વધુ મજબૂત કરી શકાશે.
બીજી તરફ, ACCIના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગે જણાવ્યું હતું કે, સરકાર દેશમાં માઇગ્રેશનની સંખ્યા વધારવા અંગે વિચાર કરી રહી છે.
ACCIની રણનીતિમાં દેશના રાજ્યો અને ટેરીટરીની સરકારોને કામચલાઉ તથા કાયમી સ્થળાંતરના ફાયદા વિશે વધુ ભાર મૂકવા જણાવાયું છે.
રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સ્કીલ, ક્ષમતા તથા વિવિધ પ્રતિભા ધરાવતા માઇગ્રન્ટ્સ દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત, યુવા માઇગ્રન્ટ્સ દેશના કારણે દેશમાં વધતી જતી સરેરાશ ઉંમરમાં પણ ઘટાડો નોંધાશે.
બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ડોમીનિક પેરોટેયે સ્કીલ્ડ માઇગ્રેશન વધે તે માટે કેન્દ્રીય સરકારને સહયોગ આપવાનો વિચાર પ્રસ્તુત કર્યો છે. કેન્દ્રીય સરકારની માળખાગત સુવિધા માટેની સલાહકીય સમિતીએ પણ દેશમાં કુશળ કામદારોની અછતને પૂરી કરવા માટે માઇગ્રેશનનું સ્તર વધારવા સલાહ આપી છે.
તેમણે દેશમાં 105,000 કુશળ કામદારોની અછત હોવાનું જણાવ્યું હતું.